Russia-Ukraine War: 100થી વધુ ડ્રોનથી યુક્રેનનો હુમલો, રશિયાએ બેલેસ્ટિક મિસાઇલોથી આપ્યો જવાબ
Russia-Ukraine War: રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે રશિયાના સાત પ્રદેશો તરફ મોકલવામાં આવેલા 110 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા.
Russia-Ukraine War: યુક્રેને રવિવારે રશિયાના પશ્ચિમી વિસ્તારમાં 100થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો. જો કે, રશિયન અધિકારીઓએ દાવો કર્યો છે કે યુક્રેનિયન ડ્રોનને રશિયન એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. તેના જવાબમાં રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રિહ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે રશિયાના સાત પ્રદેશો તરફ મોકલવામાં આવેલા 110 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે મોટાભાગના ડ્રોને કુર્ક્સના રશિયન સરહદી વિસ્તારને નિશાન બનાવ્યા હતા જ્યાં 43 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા.
125 ડ્રોનને તોડી પાડવામાં આવ્યા
સ્થાનિક ગવર્નર ગ્લેબ નિકિતિને સોશિયલ મીડિયા પર લખ્યું છે કેડેજરજિન્સ્ક ઔદ્યોગિક વિસ્તાર પર ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવતી વખતે 4 લડવૈયાઓ ઘાયલ થયા છે. જો કે તેમણે આ અંગે વધુ માહિતી આપી ન હતી. એપી ન્યૂઝ એજન્સીએ આની પુષ્ટી કરી છે. દરમિયાન, રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેનિયન શહેર ક્રાયવી રિહ પર બે રશિયન બેલેસ્ટિક મિસાઇલોના હુમલામાં 17 લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક પ્રશાસનના પ્રમુખ એલેક્ઝેન્ડર વિલકુલે જણાવ્યું હતું કે શનિવારે સાંજે થયેલા હુમલામાં મકાનો અને ઔદ્યોગિક સંકુલોને પણ નુકસાન થયું હતું. સપ્ટેમ્બરના અંતમાં આ પ્રકારના એક હુમલામાં રશિયાના સંરક્ષણ મંત્રાલયે સાત પ્રદેશોમાં 125 ડ્રોનનો નાશ કર્યાની જાણ કરી હતી. યુક્રેનિયન વાયુસેનાએ જણાવ્યું હતું કે રશિયાએ રાતોરાત કુલ 49 ડ્રોન અને બે ઇસ્કેન્ડર-એમ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી.
યુક્રેને 31 રશિયન ડ્રોન તોડી પાડ્યા - ઝેલેન્સકી
યુક્રેનની વાયુસેનાએ જણાવ્યું હતું કે યુક્રેનની રાજધાની કિવ સહિત 12 વિસ્તારોમાં 31 ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 13 અન્ય રડારમાંથી ગાયબ થઈ ગયા હતા, જે સૂચવે છે કે તેઓ ઈલેક્ટ્રોનિક સુરક્ષાને કારણે નાશ પામ્યા હતા. સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ ગયા અઠવાડિયે જ યુક્રેન પર લગભગ 800 એરિયલ બોમ્બ અને 500થી વધુ એટેક ડ્રોન છોડ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું, 'રશિયા દરરોજ આપણા શહેરો અને સમુદાયો પર હુમલો કરે છે. આ દુશ્મનો દ્વારા આપણા લોકો વિરુદ્ધ ઇરાદાપૂર્વકનું આતંકવાદી કૃત્ય છે.