Russia-Ukraine War: યુક્રેન પર કંઈક મોટું કરવાની ફિરાકમાં પુતિન? થયો ગુપ્ત ખુલાસો
. બંને દેશો વચ્ચે સમાધાન થવાના બદલે વાત વધારે વણસી રહી છે. રશિયા હવે વધુ આક્રમક બન્યું છે અને વધુ ઘાતક હુમલા કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
Russia Ukraine Tension: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને નવ મહિના જેટલો સમય થવા આવ્યો છે. બંને દેશો વચ્ચે સમાધાન થવાના બદલે વાત વધારે વણસી રહી છે. રશિયા હવે વધુ આક્રમક બન્યું છે અને વધુ ઘાતક હુમલા કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેથી યુક્રેનની મુશ્કેલીઓ વધી શકે છે.
એક અહેવાલ પ્રમાણે રશિયાએ તેના મિત્ર દેશ અને યુક્રેનની સરહદને અડીને આવેલા બેલારૂસ પાસેથી 100 જેટલી મિસાઈલો પાછી મંગાવી લીધી છે. રશિયા આ મિસાઈલોનો ઉપયોગ યુક્રેનમાં ભયાનક હુમલા કરવા માટે કરી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ અનુંસાર કમાન્ડરોએ એકદમ ગુપ્ત રીતે બેલારુસથી રશિયામાં લગભગ 100 એર ડિફેન્સ મિસાઇલો ખસેડી હોવાના અહેવાલ છે. બેલારૂસથી રશિયા ખસેડવામાં આવેલી આ મિસાઈલોમાં ખતરનાક એવી S-300 અને S-400 મિસાઇલોનો સમાવેશ થાય છે. આ મિસાઈલોને અત્યંત વિનાશકારી માનવામાં આવે છે. રશિયા સુવ્યવસ્થિત આયોજન કરી રહ્યું હોવાનું માનવામાં આવે છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયા વધુ આક્રમક બનશે જેના કારણે યુક્રેનની મુશ્કેલી વધશે.
રશિયા આક્રમક મુડમાં
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશિયા યુક્રેનના અનેક વિસ્તારોને સંપૂર્ણ રીતે નેસ્તોનાબુદ કરી નાખ્યા છે તેમ છતાંયે યુક્રેન ઝુકવા તેયાર નથી. ખેરસોન જેવા વિસ્તાર પર યુક્રેને ફરીવાર કબજો જમાવી દીધો છે. જેથી રશિયા બરાબરનું ભુરાયું થયું છે અને હવે યુક્રેન પર અલગ જ પ્રકારે યુદ્દ્વ આદરી ડર ઉભો કરવા માંગે છે.
ખતરનાક હથિયારને મંજુરી
આ અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાની પ્રાઈવેટ આર્મીમાં ખતરનાક હથિયારોની તૈનાતીને મંજૂરી આપી હતી. આ હથિયાર 'પૂઅર મેન ન્યુક્લિયર વેપન' તરીકે ઓળખાય છે. તે એક ઘાતક ફ્લેમથ્રોવર હથિયાર છે, જેને દુશ્મનોમાં ડર ઉભો કરવા ડિઝાઈન કરવામાં આવ્યા છે. રશિયા શરૂઆતથી જ આ પ્રકારના હથિયારોનો યુદ્ધમાં ઉપયોગ કરી રહ્યું છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયા હવે પૂર્વી ડોનેટ્સક ક્ષેત્ર પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવશે. આ સાથે મોસ્કો દક્ષિણ ક્ષેત્રમાં પોતાનુંડિફેન્સ વધુ મજબૂત કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રશિયન સંરક્ષણ મંત્રાલયે પણ કહ્યું હતું કે, યુક્રેનના પૂર્વીય ખાર્કિવ પ્રાંતના યાહિદનેથી યુક્રેનિયન સૈનિકોને પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જ્યારે તે પહેલા બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ કહ્યું હતું ક, બેલારુસ રશિયન દળોને તેમના દેશમાં બેરેક બનાવવા માટે જમીન આપશે. રશિયા ત્યાં આર્મી બેઝ બનાવશે. જોકે આ નિવેદન દરમિયાન બેલારુસના રાષ્ટ્રપતિએ એ સ્પષ્ટ નથી કર્યું કે, બેલારૂસમાં રશિયન સૈનિકોની સંખ્યા કેટલી હશે.