યુક્રેનનો દાવો- મિસાઇલ હુમલામાં રશિયાનું યુદ્ધ જહાજ Moskva તબાહ થયુ, રશિયાએ દાવાને ફગાવ્યો
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધનો આજે 51મો દિવસ છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે ઓડેશાના સમુદ્રમાં રશિયન સૈન્યના ગાઈડેડ મિસાઈલ ક્રુઝર માસ્કોવા પર તેમણે મિસાઈલથી હુમલો કર્યો છે
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા મહાયુદ્ધનો આજે 51મો દિવસ છે. યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે ઓડેશાના સમુદ્રમાં રશિયન સૈન્યના ગાઈડેડ મિસાઈલ ક્રુઝર માસ્કોવા પર તેમણે મિસાઈલથી હુમલો કર્યો છે. જેનાથી માસ્કોવ જહાજ ડૂબી ગયું છે. યુક્રેનમાં કીવ કબજે કરવાના નિષ્ફળ ગયેલ રશિયાએ હવે પૂર્વીય યુક્રેનના ડોનેત્સ ઓબ્લાસ્ટમાં 15 સેટલમેંટ્સ પર હુમલો કર્યો છે.
આ હુમલામાં રહેણાંક ઈમારતો, કૃષિ અને રેલવે ઈંફ્રાસ્ટ્ર્કચર અને ગેસ પાઈપલાઈનને ભારે નુકસાન પહોંચ્યું છે. ફોર્બ્સના અહેવાલ મુજબ રશિયાનું આ જહાજ 75 કરોડ ડોલરની કિંમતનું છે. યુક્રેને અત્યાર સુધીમાં રશિયન સૈન્યના મિલિટ્રી ઈક્વિમ્પમેંટના પાંચ હજાર 260 યુનિટને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. પરંતુ લગભગ 700 ક્રુ સાથેના માસ્કોવા જહાજને થયેલુ નુકસાન આ યુદ્ધમાં રશિયાને અત્યાર સુધીમાં થયેલુ સૌથી મોટુ નુકસાન છે.
જોકે, રશિયાએ દાવો કર્યો છે કે તેમના માસ્કોવ યુદ્ધ જહાજમાં આગ લાગી છે જેના કારણે વિસ્ફોટ થયો છે. તમામ નૌસૈનિકોને જહાજમાંથી સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર જહાજમાં આગ લાગવાના કારણોની તપાસ થઈ રહી છે.
વાસ્તવમાં ફેબ્રુઆરીમાં જ્યારે યુદ્ધની શરૂઆત થઇ ત્યારે સ્નેક આઇલેન્ડમાંથી મોસ્કવાથી અનેક મિસાઇલ ફેંકી હતી. ત્યારબાદ તે યુદ્ધ જહાજ યુક્રેનના નિશાના પર હતું. આ યુદ્ધ જહાજને લઇને દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેને મોસ્કવાની રડાર સિસ્ટમને દગો આપ્યો છે. આ માટે તુર્કીના બાયરક્તાર ડ્રોનનો સહારો લેવામાં આવ્યો છે. બાદમાં યુક્રેનના સૈન્યએ બે નેપ્ચૂન મિસાઇલોથી હુમલો કરી દીધો હતો.
મહાયુદ્ધના 51 દિવસમાં યુક્રેન સેનાએ દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં યુક્રેને રશિયાના વીસ હજાર સૈનિકોને ઠાર માર્યા છે. રશિયાની 753 ટેંકો, 1968 આર્મ્ડ વ્હિકલ, 366 આર્ટીલરી યુનિટ, 122 રોકેટ લોંચર સિસ્ટમ,64 એયર ડિફેંસ સિસ્ટમ, 160 યુદ્ધ વિમાનો અને 144 હેલિકોપ્ટર નષ્ટ કરી દીધા છે..