થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતામાં કરાયેલા યુદ્ધવિરામ છતાં થાઈલેન્ડે ફરી એકવાર કંબોડિયા સરહદ પર હવાઈ હુમલા શરૂ કર્યા

થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી યુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતામાં કરાયેલા યુદ્ધવિરામ છતાં થાઈલેન્ડે ફરી એકવાર કંબોડિયા સરહદ પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઈ સુવારીએ સોમવારે જણાવ્યું હતું કે થાઈલેન્ડે કંબોડિયા સાથેની તેની વિવાદિત સરહદ પર હવાઈ હુમલા કર્યા છે. અગાઉ બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
થાઈ સેનાએ કંબોડિયા સરહદ પર F-16 તૈનાત કર્યા છે અને કંબોડિયાના પ્રદેશ પર હવાઈ હુમલા કરી રહી છે. થાઈ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉબોન રત્ચાથાની પ્રાંતના પૂર્વીય ભાગમાં બે સ્થળોએ નવી અથડામણમાં ઓછામાં ઓછો એક થાઈ સૈનિક માર્યો ગયો અને ચાર અન્ય ઘાયલ થયા હતા.
આ સરહદ વિવાદ જુલાઈમાં પાંચ દિવસના યુદ્ધમાં પરિણમ્યો હતો. ત્યારબાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે યુદ્ધવિરામની મધ્યસ્થી કરી હતી. ટ્રમ્પે ઓક્ટોબરમાં કુઆલાલંપુરમાં બંને દેશો વચ્ચે એક મોટા યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર જોયા હતા. પરંતુ આ યુદ્ધવિરામ બે મહિના પણ ટકી શક્યો નહીં.
થાઇલેન્ડે કંબોડિયા પર ઉશ્કેરણીજનક કાર્યવાહીનો આરોપ લગાવ્યો છે. થાઇલેન્ડના અગ્રણી અખબાર ધ નેશને કહ્યું હતું કે રોયલ થાઇ આર્મી કમાન્ડરોએ થાઇ-કંબોડિયા સરહદ પરના ઘણા વિસ્તારોમાં તણાવ વધવાની જાણ કરી છે. થાઇ સેનાએ પ્રોટોકોલ અનુસાર પ્રતિક્રિયા આપી અને નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી. રવિવાર (7 ડિસેમ્બર) ના રોજ કંબોડિયન સૈનિકોએ સતત લડાઈ પછી સી સા કેટ પ્રાંતના કંથારાલક જિલ્લામાં ફુ ફા લેક-પ્લા હિન પેટ કોન વિસ્તારમાં હુમલો કર્યો હતો.
થાઇ લશ્કરી પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇએ જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે ઉબોન રત્ચાથાની પ્રાંતના નામ યુએન જિલ્લાના ચોંગ એન મા વિસ્તારમાં અથડામણ થઈ હતી. કંબોડિયન સૈનિકોએ સવારે લગભગ 5:05 વાગ્યે નાના હથિયારો અને ઈનડાયરેક્ટર ફાયર હથિયારોથી ગોળીબાર કર્યો અને ચાલુ રહ્યો હતો. રોયલ થાઈ એરફોર્સ (RTAF) ના પ્રવક્તા એર માર્શલ જૈક્રીટ થમ્માવિચઈએ જણાવ્યું હતું કે આ ઓપરેશન સુરાનારી ટાસ્ક ફોર્સ સાથે મળીને હાથ ધરવામાં આવ્યું છે.
થાઈ લશ્કરનો દાવો છે કે કંબોડિયાએ સરહદ પર ભારે શસ્ત્રો પહોંચાડ્યા હતા અને લડાયક એકમો તૈનાત કર્યા હતા. થાઈલેન્ડનો દાવો છે કે આ કાર્યવાહી લશ્કરી કામગીરીને વધારી શકે છે અને થાઈ સરહદી ક્ષેત્ર માટે ખતરો ઉભો કરી શકે છે. આ ઘટનાઓને કારણે કંબોડિયાની લશ્કરી ક્ષમતાઓને મર્યાદિત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી ન્યૂનતમ સ્તર સુધી ઘટાડવા માટે હવાઈ શક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કંબોડિયાનો દાવો
સોમવારે કંબોડિયાના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે થાઈ લશ્કરી દળો પર પ્રેહ વિહાર પ્રાંતમાં સરહદ પર કંબોડિયન સૈનિકો પર શ્રેણીબદ્ધ "ક્રૂર અને અમાનવીય" હુમલાઓ શરૂ કરવાનો આરોપ મૂક્યો હતો. કંબોડિયાએ આ ઘટનાઓને માત્ર છ અઠવાડિયા પહેલા હસ્તાક્ષર કરાયેલા દ્વિપક્ષીય શાંતિ કરારનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું.





















