US: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઉજવી દિવાળી, ઇઝરાયલ હમાસ યુદ્ધને લઇને આપ્યો ખાસ સંદેશ
Kamala Harris Celebrates Diwali: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે મંગળવારે વોશિંગ્ટનમાં તેમના નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી
Kamala Harris Celebrates Diwali: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે મંગળવારે વોશિંગ્ટનમાં તેમના નિવાસસ્થાને દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે પ્રકાશનો તહેવાર ઉજવવો જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન તેમણે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે વિશ્વ આજે મુશ્કેલ અને અંધકારમય ક્ષણનો સામનો કરી રહ્યું છે.
59 વર્ષીય હેરિસે કહ્યું હતું કે “આપણે એવા સમયે દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે આપણી દુનિયામાં ઘણું બધું થઈ રહ્યું છે. ખાસ કરીને ઈઝરાયલ અને ગાઝા તરફથી આવી રહેલા અહેવાલો જોઈને ખૂબ જ દુઃખ થાય છે. મને લાગે છે કે આપણે દિવાળી ઉજવીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તહેવાર પ્રકાશની ઉજવણી વિશે છે."
ઇઝરાયેલને ટેકો આપ્યો હતો
તેમણે વધુમાં કહ્યું કે તે ચોક્કસપણે એક મુશ્કેલ અને અંધકારમય ક્ષણ છે જેનો આપણે આપણા વિશ્વમાં ઘણી રીતે સામનો કરી રહ્યા છીએ. "હું જાણું છું કે તે આપણા બધા માટે હૃદયદ્રાવક છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે રાષ્ટ્રપતિ જો બાઇડન અને હું ઇઝરાયેલના પોતાના બચાવના અધિકારને સમર્થન આપવા માટે કામ કરી રહ્યા છીએ. "અમે ગાઝામાં લોકોને માનવતાવાદી સહાયની જરૂરિયાતને સમર્થન આપીએ છીએ."
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે
તેમના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે અમે અમેરિકન બંધકોને ઘરે લાવીએ અને તે ક્ષેત્રમાં તણાવ વધતો અટકાવીએ તે અત્યંત મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ ડગ એમ્હોફ દર વર્ષે દિવાળીની ઉજવણી કરે છે.
આ વર્ષે ભારતમાં દિવાળી 12 નવેમ્બરે ઉજવવામાં આવશે, પરંતુ ભારતમાં તેમજ વિશ્વના ઘણા દેશોમાં આ રોશની પર્વને લઈને પહેલેથી જ ઉત્સવનો માહોલ છે. ભારતીય મૂળના કમલા હેરિસ ભારતીય માતા અને જમૈકાના પિતાને ત્યાં જન્મેલા પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા છે અને યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપતિ છે.