'ભારત એક મહાન દેશ, મારા સારા મિત્ર...', જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે PAK પીએમ સામે PM મોદીની કરી પ્રશંસા
અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડાપ્રધાનને પણ સમિટમાં સંબોધન કરવા આમંત્રણ આપ્યું હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇજિપ્તમાં ગાઝા શાંતિને લઈને આયોજીત સંમેલનમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન હવે ખૂબ સારી રીતે એકબીજા સાથે રહેશે. તેમણે સ્ટેજ પર તેમની પાછળ ઉભેલા પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ તરફ ફરીને કાંઈક વાત કરી હતી. બાદમાં ત્યાં હાજર નેતાઓ અને મીડિયામાં હળવું હાસ્ય છવાઈ ગયું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
STORY | India is a great country with good friend of mine at top, says Trump
— Press Trust of India (@PTI_News) October 13, 2025
US President Donald Trump on Monday praised India and Prime Minister Narendra Modi without naming him, saying “India is a great country with a good friend of mine at the top”.
READ:… pic.twitter.com/JrIoCFgKDg
પોતાના સંબોધનમાં ટ્રમ્પે કેમેરા સામે સ્મિત કર્યું અને કહ્યું હતું કે, "ભારત એક મહાન દેશ છે જેની પાસે મારા એક ખૂબ જ સારા મિત્રનું નેતૃત્વ છે. અને તેમણે ખૂબ જ સારું કામ કર્યું છે. મને લાગે છે કે પાકિસ્તાન અને ભારત ખૂબ સારી રીતે એકબીજા સાથે રહેશે."
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથે ગાઝા શાંતિ સંમેલનની સહ-અધ્યક્ષતા કરનારા ટ્રમ્પે પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું હતું કે પ્રાદેશિક શાંતિ સારા મિત્રો દ્વારા સારું કામ કરવા પર આધાર રાખે છે. તેમની પાછળ ઉભેલા શાહબાઝ શરીફ તરફ ઈશારો કરીને તેમણે કટાક્ષ કર્યો, "તેઓ આ શક્ય બનાવવામાં મદદ કરશે, ખરું ને?"
શાહબાઝ શરીફે ટ્રમ્પના ગુણગાન ગાયા
અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડાપ્રધાનને પણ સમિટમાં સંબોધન કરવા આમંત્રણ આપ્યું હતું. તેમના ભાષણમાં, શાહબાઝ શરીફે ટ્રમ્પને ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવવાનો શ્રેય આપ્યો. તેમણે કહ્યું, "જો આ સજ્જન, તેમની અદ્ભુત ટીમ સાથે, તે ચાર દિવસ દરમિયાન હસ્તક્ષેપ ન કર્યો હોત તો બંને પરમાણુ દેશો વચ્ચેનું યુદ્ધ એ હદ સુધી વધી શક્યું હોત કે શું થયું તે કહેવા માટે પણ કોઈ બચી શક્યું ન હોત."
અગાઉ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો શ્રેય લીધો હતો. તેમણે ઇઝરાયલી સંસદ નેસેટમાં પોતાના ભાષણનું સમાપન કરતા દાવો કર્યો કે તે તેમણે ઉકેલેલા આઠ વિવાદોમાંથી એક હતો. હકીકતમાં ટ્રમ્પે 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ પછી સતત યુદ્ધવિરામનો શ્રેય લીધો છે. જો કે, ભારતે વારંવાર સ્પષ્ટતા કરી છે કે બંને સેનાઓના ડિરેક્ટર જનરલો વચ્ચેની વાતચીત પછી આ કરાર થયો હતો. કોઈ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ નહોતો.
ભારતે ઇજિપ્તીયન સમિટમાં પણ તેની હાજરી નોંધાવી
ભારતે આ સંમેલનમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહના માધ્યમથી હાજરી નોંધાવી હતી. જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ દૂત તરીકે હાજરી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે ભારત આ ઐતિહાસિક શાંતિ કરારનું સ્વાગત કરે છે અને આશા રાખે છે કે તે પ્રદેશમાં કાયમી શાંતિ લાવશે.
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પના પ્રયાસોની પ્રશંસા કરી
વડાપ્રધાન મોદીએ ગાઝા યુદ્ધવિરામ યોજનામાં શાંતિ લાવવાના ટ્રમ્પના પ્રયાસોની પણ પ્રશંસા કરી, નોંધ્યું કે છેલ્લા બે વર્ષથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા છેલ્લા 20 બચી ગયેલા લોકોને આજે પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ ઘરે પરત ફર્યા હતા. ટ્રમ્પે સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે ગાઝા યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આરબ અને મુસ્લિમ વિશ્વના ઘણા દેશોએ સમિટમાં હાજરી આપી હતી અને ટ્રમ્પે તેને મધ્ય પૂર્વ માટે એક નવો અને સુંદર દિવસ ગણાવ્યો હતો.





















