Asian Champions Trophy 2023: એશિયન ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલમાં ભારતની શાનદાર જીત, મલેશિયાને 4-3થી આપી હાર
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ ભારતીય હોકી ટીમે જીતી લીધું છે. રોમાંચક ફાઈનલમાં ભારત એક તબક્કે 3-1થી પાછળ હતું, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં એક મિનિટમાં બે ગોલ કરીને શાનદાર વાપસી કરી.
ચેન્નાઈમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઈટલ ભારતીય હોકી ટીમે જીતી લીધું છે. રોમાંચક ફાઈનલમાં ભારત એક તબક્કે 3-1થી પાછળ હતું, ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં એક મિનિટમાં બે ગોલ કરીને શાનદાર વાપસી કરી હતી. ચોથા ક્વાર્ટરમાં ચોથો ગોલ કરીને ભારતીય ટીમે મેચ 4-3થી જીતી લીધી અને ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ કબજે કર્યું. હવે ભારત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી સૌથી વધુ વખત જીતનાર દેશ બની ગયો છે. પાકિસ્તાન ત્રણ વખત આ ખિતાબ જીતી ચૂક્યું છે.
We can't ask for a better final than this🥹💙
— Hockey India (@TheHockeyIndia) August 12, 2023
India's incredible comeback seals victory, making them champions of the Hero Asian Champions Trophy Chennai 2023.🏆
🇮🇳 India 4-3 Malaysia 🇲🇾#HockeyIndia #IndiaKaGame #HACT2023 @CMO_Odisha @CMOTamilnadu @asia_hockey @FIH_Hockey… pic.twitter.com/gJZU3Cc6dD
આ પહેલા ભારતે 2011, 2016 અને 2018માં આ ટ્રોફી જીતી હતી. ભારત અને પાકિસ્તાન 2018 માં સંયુક્ત વિજેતા હતા, કારણ કે ફાઈનલ રદ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા પાંચ વર્ષ બાદ ફરી એકવાર ચેમ્પિયન બની છે. આ સમગ્ર ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ અજેય રહી હતી. ભારતીય હોકી ટીમે હવે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની છે. આવી સ્થિતિમાં આ જીતે ભારતીય ખેલાડીઓનું મનોબળ વધાર્યું હશે.
ટીમ ઈન્ડિયાને આઠમી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. તેના પર જુગરાજ સિંહે ડ્રેગ-ફ્લિક પર ગોલ કરીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં હાફ ટાઇમમાં મલેશિયા 3-1થી આગળ હતું. ભારતે ત્રીજા ક્વાર્ટરમાં જબરદસ્ત વાપસી કરી હતી. ભારતીય ટીમે એક મિનિટમાં જ બે ગોલ કરીને સ્કોર 3-3 કરી નાખ્યો હતો.
ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરની 56મી મિનિટે પોતાનો ચોથો ગોલ કર્યો હતો. આકાશદીપ સિંહે વળતો હુમલો કર્યો અને શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. આ સાથે જ ટીમ ઈન્ડિયા 4-3થી આગળ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા બીજા ક્વાર્ટરમાં 3-1થી પાછળ હતી, પરંતુ ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં મજબૂત વાપસી કરીને 4-3ની સરસાઈ મેળવી લીધી હતી.
ભારત અને મલેશિયા વચ્ચેની સ્પર્ધાની વાત કરીએ તો બંને ટીમો 34 વખત આમને-સામને આવી ચુકી છે. ભારતે 23 અને મલેશિયાએ 7 મેચ જીતી છે. ચાર મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. મલેશિયા સામે ભારતની જીતની ટકાવારી 67.65 છે.
ભારત: કૃષ્ણ બહાદુર પાઠક, વરુણ કુમાર, જરમનપ્રીત સિંહ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, ગુરજંત સિંહ, મનદીપ સિંહ, હરમનપ્રીત સિંહ, સુમિત, શમશેર સિંહ, આકાશદીપ સિંહ.
મલેશિયા: હફીઝુદ્દીન ઓથમાન, મુજાહિર અબ્દુ, મરહાન જલીલ, અશરન હમસામી, ફૈઝલ સારી, રઝી રહીમ, ફૈઝ જલી, અઝુઆન હસન, અબુ કમાલ અઝરાઈ, નઝમી જાજલાન, અમીરુલ અઝહર.