IND VS ENG: 93 વર્ષ પછી ઐતિહાસિક સિદ્ધિ, આકાશદીપ ઇંગ્લેન્ડમાં આવું કરનાર માત્ર બીજો ભારતીય બન્યો
IND vs ENG 2nd Test 2025: આ ઐતિહાસિક વિજયમાં ભારતીય બોલર આકાશદીપ એ શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે.

Akash Deep 10 wickets England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટન મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 336 રનથી ભવ્ય જીત નોંધાવી છે. આ ઐતિહાસિક વિજયમાં ભારતીય બોલર આકાશદીપ એ શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો છે. આકાશે મેચની બંને ઇનિંગ્સમાં કુલ 10 વિકેટ ઝડપીને એક એવી સિદ્ધિ મેળવી છે, જે 93 વર્ષના ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડની ધરતી પર માત્ર એક જ ભારતીય બોલર કરી શક્યો હતો.
આકાશદીપનો ઐતિહાસિક દેખાવ
આકાશદીપ એ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્રથમ ઇનિંગ્સમાં 88 રન આપીને 4 વિકેટ લીધી હતી. ત્યારબાદ, બીજી ઇનિંગ્સમાં તેણે વધુ ઘાતક બોલિંગ કરતા માત્ર 58 રન આપીને 6 વિકેટ ઝડપી. આ સાથે, મેચમાં તેણે કુલ 10 વિકેટ પૂરી કરી અને ઇતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાવ્યું.
આ સિદ્ધિ સાથે, આકાશદીપ હવે ભારતના 93 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટ મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લેનાર માત્ર બીજો ભારતીય બોલર બન્યો છે. અગાઉ, આ કારનામું વર્ષ 1986 માં ચેતન શર્માએ કર્યું હતું. આકાશદીપ ની આ શાનદાર બોલિંગને કારણે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડને છેલ્લી ઇનિંગમાં ફક્ત 271 રનમાં ઓલઆઉટ કરી દીધું.
મેચનો સંક્ષિપ્ત અહેવાલ
એજબેસ્ટન મેદાન પર રમાયેલી આ મેચમાં, ભારતીય ટીમે પહેલા બેટિંગ કરીને પ્રથમ ઇનિંગમાં 587 રનનો મોટો સ્કોર બનાવ્યો. જવાબમાં, ઇંગ્લેન્ડે તેમની પ્રથમ ઇનિંગમાં 407 રન બનાવ્યા. આ પછી, ભારતે તેમની બીજી ઇનિંગમાં 427 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી, જેના કારણે ઇંગ્લેન્ડ સામે 608 રનનો વિશાળ લક્ષ્યાંક હતો. જોકે, લક્ષ્યનો પીછો કરતી વખતે ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 271 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ અને 336 રનથી મેચ હારી ગયું.
નોંધનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 336 રનથી કારમો પરાજય આપ્યો છે. આ વિજય સાથે ભારતે પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે. આ ઐતિહાસિક જીતમાં કેપ્ટન શુભમન ગિલ ના બેટનો જાદુ, મોહમ્મદ સિરાજ ની ઘાતક બોલિંગ અને આકાશદીપ ના કુલ 10 વિકેટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બર્મિંગહામનું એજબેસ્ટન મેદાન ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહ્યું હતું. ભારતે અહીં 1967 માં પહેલી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ અત્યાર સુધી આ મેદાન પર એકપણ ટેસ્ટ જીતી શક્યું ન હતું. કપિલ દેવ, વિરાટ કોહલી અને એમએસ ધોની જેવા દિગ્ગજ સુકાનીઓ પણ તેમની કેપ્ટનશીપમાં ભારતને અહીં જીત અપાવી શક્યા ન હતા. આખરે, શુભમન ગિલ ની કેપ્ટનશીપ હેઠળ ભારતે 58 વર્ષ લાંબા પરાજયના સિલસિલાનો અંત લાવ્યો અને ઇતિહાસ રચ્યો.




















