Ashes Series: 140 વર્ષથી રમાઇ રહી છે એશિઝ સીરિઝ, જાણો શું છે તેનો ઇતિહાસ? કોણે જીતી છે સૌથી વધુ વખત સીરિઝ?
બંને વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ઓવલ મેદાન પર રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો
History Of Ashes Series: એશિઝ 2023 16 જૂન, શુક્રવારથી શરૂ થશે. એશિઝ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી જૂની શ્રેણી છે, જે હજુ પણ રમાઈ રહી છે. તેની શરૂઆત 1882-83માં થઈ હતી. 1882માં ઓસ્ટ્રેલિયાની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. બંને વચ્ચે શ્રેણીની પ્રથમ મેચ ઓવલ મેદાન પર રમાઈ હતી. જેમાં ઈંગ્લેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત હતું જ્યારે ઇંગ્લેન્ડ ઘરઆંગણે ટેસ્ટ મેચ હારી ગયું હતું. ઈંગ્લેન્ડની આ હારને ત્યાંના મીડિયાએ ઈંગ્લિશ ક્રિકેટનું મૃત્યુ ગણાવ્યું હતું.
તે સમયના અખબાર 'ધ સ્પોર્ટ્સ ટાઈમ્સ'એ લખ્યું હતું કે, "29 ઓગસ્ટ, 1882ના રોજ ઓવલ ખાતે ઈંગ્લિશ ક્રિકેટનું મૃત્યુ થયું હતું. મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવશે અને અસ્થિને ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવશે. આ પછી ઈંગ્લેન્ડની ટીમ 1883માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી.
આ પ્રવાસ પર જતા પહેલા ઇગ્લેન્ડના તત્કાલિન કેપ્ટન ઈવો બ્લિંગે કહ્યું હતું કે તે એશિઝ પરત લેવા જઈ રહ્યો છે. પછી અંગ્રેજી મીડિયાએ આ વાતને 'રીગેન ધ એશિઝ' ગણાવી હતી. ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસ પર ઈંગ્લેન્ડે 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી.
એવું માનવામાં આવે છે કે શ્રેણીની શરૂઆતની બે ટેસ્ટ જીત્યા બાદ ત્રીજી મેચમાં મેલબોર્નમાં કેટલીક મહિલાઓએ બીજી મેચમાં ઉપયોગમાં લેવાયેલા સ્ટમ્પને બાળી નાખ્યા અને તેને નાની ટ્રોફી તરીકે રજૂ કરી હતી. અહીંથી એશિઝની શરૂઆત થઈ હતી. ત્યારથી તેને એશિઝ ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. જોકે મૂળ ટ્રોફી લોર્ડ્સના MCC મ્યૂઝિયમમાં રાખવામાં આવી છે. તેની ડુપ્લિકેટ ટ્રોફી બનાવીને આપવામાં આવે છે. આ રીતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી એશિઝ ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ હતી.
અત્યાર સુધી કોનો રહ્યો છે દબદબો?
ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 72 એશિઝ શ્રેણી રમાઈ છે જેમાં ઓસ્ટ્રેલિયાએ 34 વખત જીત મેળવી છે. આ સાથે જ ઈંગ્લેન્ડે 32 વખત શ્રેણી જીતી છે. આ સિવાય 6 શ્રેણી ડ્રો રહી હતી. અગાઉ 2021-22માં રમાયેલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 4-0થી જીત મેળવી હતી. જ્યારે આ વખતે 2023માં રમાનારી શ્રેણી ઈંગ્લેન્ડમાં રમાશે.
છેલ્લી પાંચ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 3 વખત સીરિઝ જીતી છે જ્યારે ઈંગ્લેન્ડ માત્ર 1 વખત જ જીતવામાં સફળ રહ્યું છે. એક શ્રેણી ડ્રો રહી હતી