IND vs PAK: પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો, હારિસ રઉફ ઈજાગ્રસ્ત, ભારત સામે નહી કરી શકે બોલિંગ
2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે. જો કે વરસાદના કારણે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ પૂર્ણ થઈ શકી ન હતી.
India vs Pakistan, Haris Rauf: 2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ચાલી રહી છે. જો કે વરસાદના કારણે રવિવારે ભારત-પાકિસ્તાનની મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ત્યારબાદ આ મેચ રિઝર્વ ડેમાં ગઈ. 11 સપ્ટેમ્બરને ભારત અને પાકિસ્તાન મેચ માટે રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો હતો. આજે બંને ટીમો વચ્ચે 50 ઓવરની સંપૂર્ણ મેચ રમાશે. આ દરમિયાન પાકિસ્તાની કેમ્પમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર હરિસ રઉફ રવિવારે ભારત સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. સાવચેતીના ભાગ રૂપે, હરિસ રઉફ એશિયા કપની સુપર 4 ભારત સામેની મેચમાં વધુ બોલિંગ નહીં કરે. ગઈકાલે તેને એમઆરઆઈ માટે લઈ જવામાં આવ્યો હતો. જો કે, એમઆરઆઈમાં કોઈ ટિયર મળ્યા નથી. તેમ છતાં તે ભારત સામેની મેચમાં બોલિંગ નહીં કરે. તે ટીમની મેડિકલ પેનલની દેખરેખ હેઠળ છે.
કોલંબોમાં ફરી શરૂ થયો વરસાદ
ભારત-પાકિસ્તાન મેચમાં ફરી એકવાર વરસાદી વિઘ્ન નડ્યો છે, રિઝર્વ ડેના દિવસે સવારથી જ અહીં કોલંબોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હમણાં જ 15 મિનિટ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. મેદાન ફરી એકવાર કવરથી ઢંકાઈ ગયું છે. મેચ ક્યારે શરૂ થશે તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ગઇકાલે કેવી રહી ભારતની ઇનિંગ
સુપર ફોરની મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ભારતે રવિવારે 24.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા જ્યાં સુધી મેચ રોકાઈ હતી. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. રોહિતે 49 બોલનો સામનો કરીને 56 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. શુભમન ગીલે 58 રન બનાવ્યા હતા. ગિલે 52 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા ફટકાર્યા. વિરાટ કોહલી અને કેએલ રાહુલ અણનમ રહ્યા હતા. રાહુલે 28 બોલમાં 17 રન બનાવ્યા છે. કોહલીએ 16 બોલમાં 8 રન બનાવ્યા છે. હવે સ્પર્ધા અહીંથી શરૂ થવાની છે.