કોહલી-રોહિત નહીં, આ ખેલાડીના નામે છે એશિયા કપમાં સૌથી વધુ સદી, લીસ્ટ જોઈને ચોંકી જશો
Asia Cup 2025: જ્યારે એશિયા કપમાં સૌથી વધુ સદીઓની વાત આવે છે, ત્યારે સચિન અને કોહલી જેવા દિગ્ગજોના નામ સામે આવે છે, પરંતુ આ કિસ્સામાં, શ્રીલંકાના આ દિગ્ગજ ખેલાડી સૌથી આગળ છે, જેની પાસે સૌથી વધુ સદીઓનો રેકોર્ડ છે

Asia Cup 2025: જ્યારે એશિયા કપ (ODI) માં સૌથી વધુ સદી ફટકારવાની વાત આવે છે, ત્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અથવા સચિન તેંડુલકર જેવા મોટા નામો ચાહકોના મનમાં આવે છે, પરંતુ આ કિસ્સામાં ટોચ પર શ્રીલંકાના મહાન ઓલરાઉન્ડર સનથ જયસૂર્યા છે, જેમણે પોતાની આક્રમક બેટિંગથી ઘણી વખત વિરોધી ટીમોને પોતાના સૂર પર નાચવા માટે મજબૂર કરી હતી.
સનથ જયસૂર્યા - એશિયા કપનો કિંગ
કુલ સદી - 6
શ્રીલંકાના મહાન ઓલરાઉન્ડર સનથ જયસૂર્યાના નામે એશિયા કપ (ODI) માં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે. 1990 થી 2008 ની વચ્ચે, તેમણે 25 મેચની 24 ઇનિંગ્સમાં 102.52 ના સ્ટ્રાઇક રેટથી 1220 રન બનાવ્યા. આ દરમિયાન, તેમની સરેરાશ 53.04 હતી. તેમણે 6 સદી અને 3 અડધી સદી ફટકારી, જ્યારે તેમનો શ્રેષ્ઠ સ્કોર 130 રન હતો. તેમની આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત જયસૂર્યાનો આ રેકોર્ડ આજે પણ અકબંધ છે.
રન મશીન વિરાટ કોહલી
કુલ સદી- ૪
ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે 2010થી 2023 દરમિયાન રમાયેલી 16 મેચની 13 ઇનિંગ્સમાં 742 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સરેરાશ 61.83 અને સ્ટ્રાઇક રેટ 99.73 રહ્યો. કોહલીએ એશિયા કપમાં 4 સદી ફટકારી છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 183 રન છે. રન ચેઝના માસ્ટર કોહલીએ આ ટુર્નામેન્ટમાં ઘણી વખત ભારતને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું છે.
શિખર ધવનનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે
કુલ સદી- ૨
ભારતનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે. તેણે 2014 થી 2018 દરમિયાન એશિયા કપમાં 9 મેચ રમી હતી અને 534 રન બનાવ્યા હતા. તેનો સરેરાશ 59.33 અને સ્ટ્રાઇક રેટ 91.43 હતો. આ સમયગાળા દરમિયાન તેણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 127 રન છે. ધવન આક્રમક રમત ટીમ ઈન્ડિયાને ઝડપી શરૂઆત અપાવવા માટે જાણીતો હતો.
અન્ય ભારતીય ખેલાડીઓ
આ યાદીમાં સચિન તેંડુલકર અને રોહિત શર્મા જેવા દિગ્ગજોના નામ પણ શામેલ છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે એશિયા કપમાં 2 સદી ફટકારી છે. રોહિત શર્માએ એશિયા કપમાં 1 સદી ફટકારી છે.
આ દિવસે થશે એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત
સમાચાર એજન્સી PTI ના અહેવાલ મુજબ, 2025 એશિયા કપ માટે ટીમની જાહેરાત 19 કે 20 ઓગસ્ટના રોજ કરવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સૂર્યકુમાર યાદવ ફિટ ન થાય તો શુભમન ગિલને તેમની જગ્યાએ ટીમની કમાન સોંપવામાં આવશે. રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પસંદગી સમિતિ T20 ટીમના ટોપ ઓર્ડરમાં કોઈ ફેરફાર કરવા માંગતી નથી. આવી સ્થિતિમાં, એશિયા કપમાં ફક્ત અભિષેક શર્મા અને સંજુ સેમસન જ ઓપનિંગ કરી શકે છે.




















