ઈંગ્લેન્ડનો આ ઓલરાઉન્ડર IPLના કારણે છેલ્લી વખત પિતાને જોઈ ના શક્યો, ક્રિકેટથી નફરત થઈ હતી
2020માં કેટલાક સમય માટે માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. પરંતુ 2020માં મીડ સિઝનની દરમિયાન બેન સ્ટોક્સે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમને જોઈન કરી હતી.
Ben Stokes on Cricket and IPL: ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સ દુનિયાના સૌથી સારા ક્રિકેટરની યાદીમાં આવે છે. પરંતુ એક સમય હતો જ્યારે બેન સ્ટોક્સ ક્રિકેટને નફરત કરવા લાગ્યો હતો. બેન સ્ટોક્સે ખુદ આ બધી વાતોનો ખુલાસો કર્યો છે. બેન સ્ટોક્સનું કહેવું છે કે, આ રમતના કારણે તે પોતાના પિતાને છેલ્લી વખત જોઈ નહોતો શક્યો.
બેન સ્ટોક્સ માટે છેલ્લા ત્રણ વર્ષ ઘણા ઉતાર-ચઢાવ સમાન રહ્યા હતા. બેન સ્ટોક્સની શાનદાર રમતના કારણે ઈંગ્લેન્ડ 2019માં પ્રથમ વખત વન ડે વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હતું. પરંતુ 2020ની શરુઆતમાં સ્ટોક્સના પિતાની તબીયત ખરાબ રહેવા લાગી હતી અને તેની વ્યક્તિગત જીંદગી પ્રભાવિત થઈ ગઈ હતી.
બેન સ્ટોક્સે 2020માં કેટલાક સમય માટે માનસિક સ્વાસ્થ્યનું કારણ આપીને ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. પરંતુ 2020માં મીડ સિઝનની દરમિયાન બેન સ્ટોક્સે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સની ટીમને જોઈન કરી હતી. જો કે, આ દરમિયાન જ બેન સ્ટોક્સના પિતાનું અવસાન થયું હતું.
આ કારણે ક્રિકેટથી નફરત થઈ...
બેન સ્ટોક્સ આઈપીએલમાં ભાગ લેવાના કારણે પોતાના પિતાને છેલ્લી વખત જોઈ શક્યો નહતો. પોતાના દુઃખ વિશે વાત કરતાં સ્ટોક્સે કહ્યું, "મારા પપ્પાને હું રાજસ્થાન રોયલ્સ તરફથી રમું તે પસંદ હતું. તે હંમેશા મને ક્રિકેટ રમતો જોવા ઈચ્છતા હતા. પરંતુ ક્રિકેટના કારણે જ હું છેલ્લી વખત મારા પિતાને જોઈ ના શક્યો. આ કારણે મને ક્રિકેટથી નફરત થઈ ગઈ હતી."
બેન સ્ટોક્સે આ વર્ષે પણ પોતાને IPLથી દુર રાખ્યો હતો. જો કે, સ્ટોક્સે પોતાની જાતને સંપુર્ણ રીતે આઈપીએલથી અલગ નથી કરી. પરંતુ સ્ટોક્સનું કહેવું છે કે, આઈપીએલમાં તેની વાપસી ઈંટરનેશનલ ક્રિકેટ પર નિર્ભર છે. સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટને પોતાની પ્રાથમિકતા જણાવી હતી. બેન સ્ટોક્સનું કહેવું છે કે, હાલ તેનું બધું ફોકસ ટેસ્ટ ક્રિકેટ પર છે અને ટેસ્ટ સિવાય તે બીજી કોઈ વસ્તુ વિશે વિચારતો નથી.