IND vs ENG: સિરાજે કોહલીની સલાહ ના માની અને વિકેટો ઝડપી જીત અપાવી, પૂર્વ બોલિંગ કોચે જણાવ્યો કિસ્સો...
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે મોહમ્મદ સિરાજ વિશે એક કિસ્સો સંભળાવ્યો છે. આ વાત ભારતના છેલ્લા ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે જોડાયેલી છે.
Bharat Arun on Mohammed Siraj: ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે મોહમ્મદ સિરાજ વિશે એક કિસ્સો સંભળાવ્યો છે. આ વાત ભારતના છેલ્લા ઈંગ્લેન્ડ પ્રવાસ સાથે જોડાયેલી છે. ભરત અરુણે જણાવ્યું કે, 5 મેચની ટેસ્ટ સીરીઝ દરમિયાન મોહમ્મદ સિરાજે લોર્ડ્સ ટેસ્ટમાં કેપ્ટન વિરાટ કોહલીની સલાહને અવગણીને વિકેટ લેવામાં સફળતા મેળવી હતી.
ભરત અરુણે ક્રિકબઝ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'મોહમ્મદ સિરાજે ડાબા હાથના ઇંગ્લિશ બેટ્સમેનો સામે રાઉન્ડ ધ વિકેટ એંગલ રાખવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વિકેટ પર બોલિંગ કરવા માટે વધુ આરામદાયક હતો. વિરાટ કોહલીએ કહ્યું કે માત્ર રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરવાનો પ્રયાસ કર પરંતુ સિરાજે ભારપૂર્વક કહ્યું કે, તે માત્ર ઓવર ધ વિકેટ બોલિંગ કરવા માંગે છે. તે ઓવર ધ વિકેટ બોલિંગ કરતો રહ્યો અને છેલ્લે તેણે બે ડાબા હાથના બેટ્સમેનોની વિકેટ લીધી હતી.
લોર્ડ્સમાં આયોજિત આ ટેસ્ટ ટીમ ઈન્ડિયાએ જીતી હતી. પ્રથમ દાવમાં પાછળ હોવા છતાં બોલરોના જોરદાર પ્રદર્શને ભારતને આ યાદગાર જીત અપાવી હતી. ભારતીય બોલરોએ ચોથી ઈનિંગમાં માત્ર 120 રનમાં ઈંગ્લિશ બેટ્સમેનોને ઓલઆઉટ કરી દીધા હતા. આ મેચ જીતીને ભારતે શ્રેણીમાં પણ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સિરાજે આ ટેસ્ટમાં કુલ 8 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળઃ
એજબેસ્ટનમાં રમાઈ રહેલી મેચ ગયા વર્ષે રમાયેલી આ ટેસ્ટ શ્રેણીનો એક ભાગ છે. ગયા વર્ષે આ 5 મેચોની ટેસ્ટ શ્રેણીની માત્ર 4 મેચ જ રમાઈ શકી હતી. કોરોનાને કારણે છેલ્લી મેચ રમાઈ શકી ન હતી. ભારતીય ટીમમાં કોરોનાના કેસો સામે આવ્યા બાદ આ શ્રેણીને રોકી દેવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની ચાર મેચમાં 2-1ની લીડ મેળવી લીધી હતી. જો એજબેસ્ટન ખાતે ચાલી રહેલી મેચ ડ્રો થશે તો પણ આ શ્રેણી ભારતના નામે રહેશે.