ટીમ ઈન્ડિયામાં સીલેક્ટ થયેલા ભાવનગરના અંશ ગોંસાઈના પિતા છે પ્રાથમિક શાળામાં શિક્ષક, કઈ રીતે દીકરાને આપ્યું પ્રોત્સાહન ?
અંશ ગોંસાઈએ નાનપણથી જ ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે રમવા માટે ગાંઠ બાંધી લીધી હોય એ રીતે સારામાં સારુ પર્ફોમન્સ આપવામાં કોઈ કમી બાકી નહોતી રાખી
ભાવનગરઃ ભાવનગરના યુવા ક્રિકેટર અંશ ગોસાઈનો અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં સમાવેશ થતાં માતા-પિતાનું સ્વપ્ન પૂરું થયું છે. અંશ ગોસાઈ વેસ્ટ ઇન્ડીઝમાં અંડર-19 વર્લ્ડ કપમાં રમવા ભાવનગરથી રવાના થયો છે.
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને નાનપણથી પોતાના દીકરાને ભારતીય ટીમમાં સમાવેશ કરવા માટે જોરદાર ઝનૂન ધરાવતા ઘનશ્યામગીરી ગોસાઈએ અંશને ક્રિકેટર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે.
ભાવનગર જેવા નાનકડા શહેરમાંથી યુવા ક્રિકેટર અને બેટ્સમેન અંશ ગોસાઈએ પોતાના કરિયરની શરૂઆત તેમના પિતા સાથે પાંચ વર્ષની ઉંમરથી જ કરી દીધી હતી. દિવસ દરમિયાન 10 કલાક સુધી ક્રિકેટ મેચ રમીને ટીમ ઈન્ડિયામાં પસંદગી સુધીની સુધીની સફર પૂર્ણ કરી ભારતીય ટીમમાં સમાવેશ સાથે પોતાના અને માતા-પિતાના સપનાને સાકાર કર્યું છે.
ભાવનગરની ભરુચા કલબમાં ક્રિકેટ રમી પસંદગીકારોનું ધ્યાના આકર્ષિત કરનારા અંશ ગોસાઈની સફળતા પાછળ તેમના માતાપિતા સાથે ભરુચા કલબના કોચ તેમજ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સ્થાન ધરાવતા ભાવનગરના તેમના મિત્રોનો પૂર્ણ સહયોગ રહ્યો હતો. અંશે જાત મહેનત અને સૌની મદદથી કારકિર્દી બનાવીને ઈન્ડિયાની ટીમમાં પસંદગી પામીને માતા-પિતાનાં નામ સાથે ભાવનગરનું નામ પણ રોશન કર્યું છે.
ઘનશ્યામગીરી ગોસાઈએ અંશને શેરી-ગલીમાં ક્રિકેટ રમાડીને ક્રિકેટના પાઠ ભણાવ્યા હતા. આજે ઇન્ડિયા ટીમમાં સમાવેશ સુધી હર હંમેશ પ્રોત્સાહિત કરી અંશ ગોસાઈને ઈન્ડિયાન ટીમમાં સમાવેશ થયા સુધીના સપનાને પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે. નાનપણથી જ પોતાના દીકરાને ક્રિકેટર બનાવવાની સફળતામાં અંશના પિતાએ શિક્ષકની નોકરીમાં જ્યારે પણ સમય બચે ત્યારે ક્રિકેટ રમાડવા માટે અલગ-અલગ ગ્રાઉન્ડ ઉપર લઈને જતા હતા. અંશ ગોસાઈને ઇન્ડિયન ટીમમાં સિલેક્શન સુધી તેમના પિતાએ સૌથી મોટું યોગદાન આપી પોતાના સપનાને પણ પૂર્ણ કર્યું હોય તેવું જણાવ્યું હતું.
અંશ ગોંસાઈએ નાનપણથી જ ભારતીય ટીમમાં બેટ્સમેન તરીકે રમવા માટે ગાંઠ બાંધી લીધી હોય એ રીતે સારામાં સારુ પર્ફોમન્સ આપવામાં કોઈ કમી બાકી નહોતી રાખી. અંશ ગોસાઈનાં માતા રંજનબેન ગોસાઈએ પોતાનો દીકરો બેસ્ટ પર્ફોમન્સ કરી ઇન્ડિયાની ટીમને જીતાડે તેવા આશીર્વાદ આપ્યા હતા. અંશ ગોસાઈ ના પિતા ઘનશ્યામ ગીરીએ ટીમ ઈન્ડિયામાં દીકરાનો સમાવેશ થતાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને અંશ ભારતની ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવી ભાવનગર પરત આવે તેવી ઈચ્છા સાથે વ્યક્તિ કરી આશીર્વાદ આપ્યાં હતાં.