શોધખોળ કરો
મર્યાદીત ઓવરના ક્રિકેટ પર છે પૂરો ભરોસો, હાલ ટેસ્ટ ક્રિકેટ રમવું થોડું છે મુશ્કેલઃ હાર્દિક પંડ્યા
સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકબઝ સાથે વાતચીતમાં તેણે કહ્યું, હું ખુદને બેકઅપ ફાસ્ટ બોલર તરીકે જોઈ રહ્યો છું.

નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ અગાઉ લગ્ન પહેલા જ બાપ બનવાનો છે તેવી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. હાલ તે કમરની ઈજાના કારણે ટેસ્ટ ક્રિકેટનું જોખમ લેવા નથી માંગતો અને માત્ર મર્યાદીત ઓવરના ફોર્મેટમાં રમવા માંગે છે. સપ્ટેમ્બર 2018થી હાર્દિક ટેસ્ટ રમ્યો નથી પરંતુ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં પોતાનું સ્થાન નક્કી કરી ચુક્યો છે. ગત વર્ષે કમરના ઓપરેશન બાદ તે ફરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા આતુર છે. સ્પોર્ટ્સ વેબસાઇટ ક્રિકબઝ સાથે વાતચીતમાં તેણે કહ્યું, હું ખુદને બેકઅપ ફાસ્ટ બોલર તરીકે જોઈ રહ્યો છું. કમરની સર્જરી બાદ હાલ ટેસ્ટ ક્રિકેટ રમવું પડકારભર્યુ હશે. જો હું માત્ર ટેસ્ટ ક્રિકેટર હોત તો રમી લેત પરંતુ હું આમ ન કરી શકું. કારમકે મર્યાદીત ઓવરના ક્રિકેટમાં મને મારી ઉપયોગીતાની ખબર છે. 2018માં એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાંથી સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો તે અંગે કહ્યું, મને લાગ્યું કે મારી કરિયર ખતમ થઈ ગઈ છે. મેં ક્યારેય કોઈને આ રીતે સ્ટ્રેચર પર જતા નથી જોયા. મારું દર્દ ઓછું થવાનું નામ નહોતું લેતું પરંતુ મારી શરીર તરત રિકવરી મોડમાં જતું રહ્યું. આરામ પર જતાં પહેલા એશિયા કપ આમ પણ મારી અંતિમ ટુર્નામેન્ટ હતી અને આ દરમિયાન ઈજા થઈ ગઈ. તેણે એમ પણ સ્વીકાર્યું કે, કરિયરમાં એક સમય એવો હતો કે બીજાની વાતની ખૂબ અસર થતી હતી અને હું વિચલિત થઈ જતો હતો. પરંતુ મારી આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કોચ રિકી પોન્ટિંગે મને એક બાળકની જેમ સંભાળ્યો. હું તેમની પાસેથી ઘણું શીખ્યો છું.
વધુ વાંચો




















