ઈંગ્લેન્ડ સામેની બીજી T20 પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, સ્ટાર બેટ્સમેન ઈજાગ્રસ્ત! ટીમમાં ફેરફારની શક્યતા
પગની ઘૂંટીમાં ઈજાના કારણે બીજી T20માંથી બહાર થઈ શકે છે; ટીમ મેનેજમેન્ટ ચિંતામાં.

Abhishek Sharma injury update: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી ચાલી રહી છે, જેમાં ભારતે પ્રથમ મેચ જીતીને 1-0ની સરસાઈ મેળવી લીધી છે. પરંતુ, 25 જાન્યુઆરીએ ચેન્નાઈમાં રમાનારી બીજી T20 મેચ પહેલાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાના સમાચાર આવ્યા છે. અહેવાલો અનુસાર, ટીમના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા ઈજાગ્રસ્ત થયા છે અને તેઓ બીજી T20 મેચમાંથી બહાર થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અને ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અભિષેક શર્માને (Abhishek Sharma) કેચ પ્રેક્ટિસ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. પ્રેક્ટિસ દરમિયાન તેમનો પગ વળી ગયો હતો, જેના કારણે તેમને દુખાવો થયો હતો. ત્યારબાદ ટીમના ફિઝિયોથેરાપિસ્ટે તેમની સારવાર કરી હતી. ઈજાને કારણે અભિષેકને ડ્રેસિંગ રૂમમાં પગને આરામ કરતા જોવામાં આવ્યા હતા. પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજા થયા બાદ અભિષેક નેટ્સમાં પ્રેક્ટિસ કરવા માટે પાછા ફર્યા ન હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે લગભગ અડધો કલાક ડ્રેસિંગ રૂમમાં ફિઝિયો સાથે વિતાવ્યો હતો.
અભિષેક શર્માની આ ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો છે, કારણ કે તેમણે કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં માત્ર 34 બોલમાં 79 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની આક્રમક બેટિંગ ઈંગ્લેન્ડના બોલરો પર ભારે પડી હતી.
આ પહેલાં પ્રથમ T20 મેચમાં મોહમ્મદ શમીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કરવાથી ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. તેમની ફિટનેસ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, ત્યારે અભિષેક શર્માની ઈજાના સમાચાર ટીમ માટે વધુ ચિંતાજનક છે.
જો અભિષેક શર્મા બીજી T20 મેચ નહીં રમી શકે, તો તેમના સ્થાને વોશિંગ્ટન સુંદર અથવા ધ્રુવ જુરેલને તક મળી શકે છે. એવી સ્થિતિમાં તિલક વર્માને ત્રીજા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવી શકે છે. ટીમ મેનેજમેન્ટ હવે અભિષેક શર્માની ઈજા પર નજર રાખી રહ્યું છે અને તેમની ફિટનેસને લઈને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. ટીમ ઈન્ડિયાને આશા છે કે અભિષેક જલ્દીથી સ્વસ્થ થઈને મેદાનમાં પરત ફરશે.
આ પણ વાંચો...
ટીમ ઇન્ડિયાના સ્ટાર્સ રણજીમાં ફ્લોપ: રોહિત, પંત સહિત પાંચ ખેલાડીઓનું નિરાશાનજ પ્રદર્શન




















