IND vs ENG 4th Test: આજથી ચોથી ટેસ્ટ, 50 વર્ષથી આ મેદાન પર નથી જીત્યું ભારત
IND vs ENG 4th Test: ભારતીય ટીમમાં બે થી ત્રણ પરિવર્તન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
IND vs ENG 4th Test: હેડિંગ્લેમાં મળેલી આંચકાજનક હાર બાદ ભારત આજથી શરૂ થઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની ચોથી ઓવલ ટેસ્ટમાં વળતો પ્રહાર કરતાં વિજય મેળવવાના મક્કમ ઈરાદા સાથે ઉતરશે. કેપ્ટન કોહલીની આગેવાની હેઠળના ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ સફળતા મેળવવા માટે વધુ જવાબદારી સાથે પ્રભાવશાળી દેખાવ કરવો પડશે. ભારતીય ટીમમાં બે પરિવર્તન કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ફાસ્ટ બોલર ઈશાંત શર્માના સ્થાને ફિટનેસ મેળવનારા શાર્દૂલ ઠાકુરને ફરી ટીમમાં સમાવવામાં આવી શકે છે. જ્યારે રવિન્દ્ર જાડેજાને સ્થાને અશ્વિનને તક મળી શકે તેમ છે. ભારતીય કેપ્ટન કોહલી હેડિંગ્લે ટેસ્ટ બાદ જ સંકેત આપી ચૂક્યો છે કે, તે પાંચ બોલરોની વ્યુહરચનામાં કોઈ ફેરફાર કરવાનો નથી. ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦ વાગ્યાથી ટેસ્ટનો પ્રારંભ થશે.
કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
સોની નેટવર્કની ચેનલ પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. જ્યારે જિયો ટીવી પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.
1971 બાદ ભારત અહીં જીત્યું નથી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ શરૃ થવા જઈ રહી છે. ભારત આ મેદાન પર ૧૩માંથી એકમાત્ર ટેસ્ટ જીતી ચૂક્યું છે. ભારતે ૧૯૭૧માં અજીત વાડેકરની કેપ્ટન્સી હેઠળ ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ અને શ્રેણી જીતી હતી, તે રેકોર્ડ આ જ મેદાન પર નોંધાયો હતો. આજે તે વિજયની ગોલ્ડન જ્યુબિલી ચાલી રહી છે. જોકે, ભારત ત્યાર બાદ અહીં એક પણ મેચ જીતી શક્યું નથી. ૧૩માંથી ઈંગ્લેન્ડ છેલ્લી ત્રણ સહિત કુલ પાંચ ટેસ્ટ જીત્યું છે. જ્યારે સાત ટેસ્ટ મેચ ડ્રો રહી છે. આમ કોહલી પાસે આજથી શરૂ થતી ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચવાનો પણ મોકો છે.
હાલ સીરિઝ 1-1થી બરાબર
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો દેખાવ રોલરકોસ્ટર રાઈડ જેવો રહ્યો છે. પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ભારતે બીજી લોર્ડ્ઝ ટેસ્ટમાં ૧૫૧ રને શાનદાર વિજય મેળવતા શ્રેણીમાં ૧-૦થી બરોબરી મેળવી હતી. જોકે, હેડિંગ્લેમાં ભારતનો બંને ઈનિંગમાં ધબડકો થયો હતો અને ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને ૭૬ રનથી વિજય મેળવતા શ્રેણીમાં ૧-૧થી બરોબરી હાંસલ કરી હતી. હવે આવતીકાલથી શરૃ થનારો ચોથો મુકાબલો બંને ટીમો માટે અત્યંત મહત્વનો બની ગયો છે.
ભારતે ચોથી ટેસ્ટ માટે જાહેર કરેલી ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, આર અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, રિદ્ધીમાન સાહા, અભિમન્યુ ઈશ્વરન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના