IND vs ENG: માંચેસ્ટેર ટેસ્ટમાં આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોનું કપાશે પત્તુ
IND vs ENG 5th Test: રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ટીમ ઈન્ડિયાના બંને દિગ્ગજ બેટ્સમેનોને જૂની ઈજા સતાવી રહી છે.
IND vs ENG: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામે તારીખ ૧૦મી સપ્ટેમ્બરથી શરૃ થઈ રહેલી પાંચમી અને આખરી ટેસ્ટ મેચ પહેલા ફિટ થઈ ગયો છે. જ્યારે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા હાલ મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. ટીમ ઈન્ડિયાના બંને દિગ્ગજ બેટ્સમેનોને જૂની ઈજા સતાવી રહી છે. જોકે પૂજારા માંચેસ્ટરમાં ટીમ ઈન્ડિયાના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડે પણ ચોથી ટેસ્ટની શરમજનક હાર બાદ માંચેસ્ટરમાં બરોબરી મેળવવા માટે કમર કસી છે.
આવતીકાલથી શરૂ થતી પાંચમી અને નિર્ણાયક મેચ માટે રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા ફિટ નહીં હોય તો તેમના સ્થાને મયંક અગ્રવાલ અને સૂર્યકુમાર યાદવને સમાવવામાં આવી શકે છે. જ્યારે કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અજિંક્ય રહાણેના સ્થાને હનુમા વિહારીને તક આપવામાં આવી છે. જ્યારે બોલિંગમાં મોહમ્મદ સિરાજના સ્થાને શમીનો ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે.
પાંચમી ટેસ્ટ માટે સંભવિત ભારતીય ટીમ
કેએલ રાહુલ, રોહિત શર્મા/મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા/સૂર્યકુમાર યાદવ., વિરાટ કોહલી, અજિંકય રહાણે/હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ ચાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી
કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે અને 3 વાગે ટોસ થશે.
માંચેસ્ટરમાં કેવો છે ભારતનો રેકોર્ડ
માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા 1936થી રમે છે. ભારતીય ટીમ અહીંયા અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ચાર મુકાબલામાં હાર થઈ છે, જ્યારે 5 મેચ ડ્રો થઈ છે. એટલે કે 85 વર્ષથી ભારત આ મેદાન પર જીતી શક્યું નથી.
યજમાન ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં આ મેદાન પર કુલ 81 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી 31 મેચમાં જીત અને 15માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 35 મેચ ડ્રો રહી છે.
2014માં ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ હતી આ મેદાન પર
ભારતીય ટીમ માંચેસ્ટરમાં અંતિમ વખતે 2014માં ટેસ્ટ મેચ રમી હતી. તે સમયે ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને 54 રનથી હાર આપી હતી. તે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે પ્રથમ ઈનિંગમાં માત્ર 152 રન બનાવ્યા હતા. ધોનીએ સર્વાધિક 71 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રોડે 6 વિકેટ ઝડપી હતી અને યજમાન ટીમે બટલર, રૂટ અને બેલની અડધી સદીથી 367 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભારત 162 રનમાં ખખડી ગયું હતું. અશ્વિને અણનમ 46 રન બનાવ્યા હતા અને મોઇન અલીએ 4 વિકેટ ઝડપી હતી.