Cricket: એક વર્ષમાં સૌથી વધુ 350+ સ્કૉર, સૌથી વધુ છગ્ગા પણ ફટકાર્યા, ટીમ ઇન્ડિયાએ બનાવી દીધા આ રેકોર્ડ
વર્લ્ડકપ 2023માં રવિવારે (12 નવેમ્બર) નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ જે રીતે બેટિંગ કરી હતી, તેના કારણે કેટલાય મોટા રેકોર્ડ તૂટી ગયા
IND vs NED, WC 2023: વર્લ્ડકપ 2023માં રવિવારે (12 નવેમ્બર) નેધરલેન્ડ સામે ટીમ ઈન્ડિયાએ જે રીતે બેટિંગ કરી હતી, તેના કારણે કેટલાય મોટા રેકોર્ડ તૂટી ગયા. નેધરલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 410 રન બનાવ્યા હતા. તમામ ટોપ-5 બેટ્સમેનોએ ટીમ ઇન્ડિયા માટે 50+ રનની ઇનિંગ્સ રમી હતી. તેમાંથી ચોથા અને પાંચમા ક્રમના બેટ્સમેનોએ સદી પણ ફટકારી હતી. ભારતીય બેટ્સમેનોની આ દમદાર ઇનિંગ્સે કયા રેકોર્ડ બનાવ્યા, જુઓ અહીં...
8: આ વર્ષે ભારતીય ટીમે ODI ક્રિકેટમાં 8 વખત 350+ સ્કૉર બનાવ્યા છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત આ આંકડો પાર કરવાનો રેકોર્ડ હવે ટીમ ઈન્ડિયાના નામે છે. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે હતો. ઈંગ્લેન્ડે વર્ષ 2019માં 7 વખત 350+ રન બનાવ્યા હતા.
7: આ 7મી વખત બન્યુ જ્યારે ટીમ ઈન્ડિયાએ ODI ક્રિકેટમાં 400+ રન બનાવ્યા. આ મામલે ભારતીય ટીમ હવે બીજા સ્થાને છે. અહીં દક્ષિણ આફ્રિકા પ્રથમ સ્થાને છે, જેણે અત્યાર સુધીમાં 400+ 8 વખત સ્કૉર કર્યો છે.
3: ODI ક્રિકેટમાં આ ત્રીજી વાર બન્યુ છે જ્યારે ટીમના પાંચ બેટ્સમેનોએ 50+ રનની ઇનિંગ્સ રમી હોય. ઓસ્ટ્રેલિયા આ પહેલા બે વખત આ કારનામું કરી ચૂક્યું છે. 2013માં જયપુર ODI અને 2020માં સિડની ODIમાં ભારત સામે કાંગારૂ ટીમના 5-5 બેટ્સમેનોએ 50+ રનની ઇનિંગ્સ રમી હતી.
215: ટીમ ઈન્ડિયાએ આ વર્ષે અત્યાર સુધીમાં 30 ODI મેચ રમી છે અને કુલ 215 સિક્સર ફટકારી છે. આ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ODI સિક્સરનો રેકોર્ડ બની ગયો છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે વર્ષ 2019માં ODI ક્રિકેટમાં 209 સિક્સર ફટકારી હતી.
208: શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વચ્ચે ચોથી વિકેટ માટે 208 રનની ભાગીદારી થઈ હતી. વર્લ્ડકપમાં ચોથી વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી બની છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક અને બ્રેડ હોજે 2007માં નેધરલેન્ડ સામે ચોથી વિકેટ માટે 204 રન જોડ્યા હતા.
ભારતે નેધરલેન્ડને 160 રને હરાવ્યું
રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો અને સતત 9મી જીત મેળવી. ટૂર્નામેન્ટની છેલ્લી લીગ મેચમાં ભારતીય ટીમે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું હતું. બેંગલુરુમાં રમાયેલી મેચમાં ભારત તરફથી બોલિંગ કરતા વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ વિકેટ લીધી હતી. ટીમ તરફથી બુમરાહ, સિરાજ, કુલદીપ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. ટીમ માટે શ્રેયસ અય્યરે 128 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય કેએલ રાહુલે 102 રન બનાવ્યા હતા. આ સિવાય શુભમન ગિલ, વિરાટ કોહલી અને કેપ્ટન રોહિતના બેટથી અડધી સદી ફટકારવામાં આવી હતી. 411ના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે નેધરલેન્ડને સારી શરૂઆત કરતા અટકાવ્યું અને બીજી ઓવરમાં વેસ્લી બેરેસી (04)ને આઉટ કર્યો. જો કે, આ પછી કોલિન એકરમેન અને મેક્સે દાવ સંભાળ્યો અને બીજી વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી, જેને કુલદીપ યાદવે 13મી ઓવરમાં કોલિન એકરમેનને આઉટ કરીને તોડી નાખી. એકરમેન 32 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ 16મી ઓવરમાં 30 રનના અંગત સ્કોર પર જાડેજાએ મેક્સને બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો હતો.