IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ 3rd ODI Highlights: ઇન્દોરમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઈતિહાસ: 338 રનનો પીછો કરતા ભારતની નાવ ડૂબી; અય્યર, રાહુલ અને જાડેજાના ફ્લોપ શોને કારણે હાથમાં આવેલી બાજી હારી, કોહલીની 124 રનની ઈનિંગ પણ કામ ન આવી.

IND vs NZ 3rd ODI Highlights: ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી વનડે મેચ ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં કડવી યાદ બનીને રહી જશે. ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને ભારતીય ધરતી પર સૌપ્રથમ વખત વનડે શ્રેણી (ODI Series) જીતવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. મેચમાં પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 337 રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ટીમ ઈન્ડિયા 296 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
જોકે, આ હાર માટે વિરાટ કોહલીને બાદ કરતા મધ્યમ ક્રમના અનુભવી બેટ્સમેનોની નિષ્ફળતા મુખ્ય કારણ બની હતી. વિરાટ કોહલીએ 108 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 124 રન ફટકારીને એકલા હાથે કિલ્લો લડાવ્યો હતો, પરંતુ સામે છેડેથી સાથ ન મળતા ભારતની હાર નિશ્ચિત બની હતી. આ હારમાં ત્રણ મોટા ખેલાડીઓ—શ્રેયસ ઐયર, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા—સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા, જેમને હારના મુખ્ય 'ખલનાયક' ગણવામાં આવી રહ્યા છે.
સૌથી પહેલા વાત કરીએ ઉપ-કેપ્ટન (Vice Captain) શ્રેયસ ઐયરની, જેમની પાસેથી નિર્ણાયક મેચમાં મોટી ઈનિંગની અપેક્ષા હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્મા 11 અને શુભમન ગિલ 23 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા અને સ્કોરબોર્ડ પર માત્ર 45 રનમાં 2 વિકેટ હતી, ત્યારે અય્યરે જવાબદારીપૂર્વક રમવાની જરૂર હતી. પરંતુ તેઓ માત્ર 3 રન બનાવીને ક્રિસ ક્લાર્કના હાથે કેચ આઉટ થયા હતા.
કોહલી સારા ફોર્મમાં હતો, ત્યારે અય્યરે સાથ આપવાને બદલે વિકેટ ફેંકી દીધી હતી. ત્યારપછી વારો આવ્યો અનુભવી વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલનો. જે રાહુલ ગત મેચમાં સદીવીર બન્યો હતો, તે આ કરો યા મરો મુકાબલામાં સાવ નબળો સાબિત થયો. જેડન લેનોક્સના બોલને સમજવામાં તે થાપ ખાઈ ગયો અને 6 બોલમાં માત્ર 1 રન બનાવીને ગ્લેન ફિલિપ્સને સરળ કેચ આપી બેઠો. રાહુલની આ બેદરકારીએ ટીમ પરનું દબાણ અનેકગણું વધારી દીધું હતું.
ભારતની હારનું ત્રીજું અને મહત્વનું કારણ રવિન્દ્ર જાડેજાની બિનજરૂરી ઉતાવળ સાબિત થઈ. યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડીએ 53 રન બનાવીને કોહલી સાથે 88 રનની ભાગીદારી કરી ટીમને સંભાળી હતી. રેડ્ડી આઉટ થયા ત્યારે સ્કોર 159 હતો અને ક્રિઝ પર અનુભવી ઓલરાઉન્ડર જાડેજા આવ્યો હતો.
સૌને આશા હતી કે જાડેજા કોહલી સાથે મળીને મેચ ફિનિશ કરશે, પરંતુ તેણે પણ ગેરજવાબદાર શોટ રમ્યો. જાડેજા લેનોક્સના બોલ પર આગળ વધીને ફટકો મારવા ગયો અને બાઉન્ડ્રી પર વિલ યંગના હાથે કેચ આઉટ થયો. તેણે 16 બોલમાં માત્ર 12 રન બનાવ્યા. જાડેજાના આઉટ થયા પછી ભારતની જીતવાની આશાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. અંતમાં હર્ષિત રાણાએ અડધી સદી ફટકારીને કોશિશ કરી, પરંતુ ટોચના ખેલાડીઓની ભૂલોને કારણે ટીમ ઈન્ડિયાએ સીરીઝ ગુમાવવાનો વારો આવ્યો.




















