IND vs NZ: ICC ટૂર્નામેન્ટમાં કોનો દબદબો? આંકડા જોઈને કેપ્ટન રોહિત ચિંતામાં આવી જશે!
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડ ટકરાશે, આંકડા કહે છે કે કીવી ટીમનો હાથ ઉપર.

IND vs NZ head to head: જ્યારે ICC ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ એકબીજા સામે ટકરાય છે, ત્યારે ક્રિકેટ ચાહકોને હંમેશા રોમાંચક મેચ જોવા મળે છે. મેદાન પર બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર થાય છે, પરંતુ આંકડા કંઈક અલગ જ કહાની કહે છે. ન્યુઝીલેન્ડ એક એવી ટીમ છે જેણે ICC ઇવેન્ટ્સમાં ઘણી વખત ભારતને મુશ્કેલીમાં મૂક્યું છે અને ફરી એકવાર તેઓ ભારત માટે મોટો પડકાર બનીને ઉભરી શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની છેલ્લી ગ્રુપ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ 2 માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. ગ્રુપ A માંથી ભારત અને ન્યુઝીલેન્ડ બંનેએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. તેથી, આ મેચ બંને ટીમો માટે ગ્રુપ સ્ટેજમાં ટોચના સ્થાન માટેની લડાઈ હશે. જે ટીમ આ મેચ જીતશે તે પોઇન્ટ ટેબલમાં નંબર વન પર પહોંચી જશે અને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરશે.
ICC ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનો દબદબો
જો કે, ભારત માટે આ મેચ જીતવી સરળ નહીં હોય. ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ છે અને ICC ટૂર્નામેન્ટમાં ભારત સામે તેમનો રેકોર્ડ પણ ઘણો સારો છે. જો આપણે ICC ટૂર્નામેન્ટમાં ભારત અને ન્યુઝીલેન્ડના હેડ-ટુ-હેડ રેકોર્ડ પર નજર કરીએ, તો સ્પષ્ટપણે ન્યુઝીલેન્ડનો હાથ ઉપર છે. ICC ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ભારત અને ન્યુઝીલેન્ડ 14 વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં ભારતે માત્ર 5 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 9 મેચમાં બાજી મારી છે. આ આંકડા કપ્તાન રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયા માટે ચોક્કસપણે ચિંતાજનક હોઈ શકે છે.
જો કે, જો આપણે ICC ઇવેન્ટ્સમાં છેલ્લી પાંચ મેચોમાં બંને ટીમોના પ્રદર્શન પર નજર કરીએ તો સ્પર્ધા ખૂબ જ નજીકની રહી છે. છેલ્લી પાંચ મેચમાંથી ભારતે બે મેચ જીતી છે અને ન્યુઝીલેન્ડે પણ બે મેચ જીતી છે, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લે 2023 ODI વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ICC ટૂર્નામેન્ટમાં એકબીજા સામે ટકરાયા હતા, જેમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તે મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, પરંતુ ભૂતકાળના આંકડા જોતા ન્યુઝીલેન્ડની ટીમ ભારત માટે હંમેશાં ખતરારૂપ રહી છે.
IND vs NZ સંભવિત પ્લેઈંગ 11
બંને ટીમો સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી હોવાથી, આ મેચમાં બંને ટીમો કેટલાક પ્રયોગો કરે તેવી શક્યતા ઓછી છે. અહીં સંભવિત પ્લેઈંગ 11 પર એક નજર કરીએ:
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડ: વિલ યંગ, ડેવોન કોનવે, કેન વિલિયમસન, રચિન રવિન્દ્ર, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલિયમ ઓ'રર્કે.
આ પણ વાંચો....




















