T20 WC: ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટમાં ખુલાસો, 50 ગણી વધુ કિંમતે વેચાઇ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટો
ક્રિકેટના ચાહકો ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
IND vs PAK 2022: ક્રિકેટના ચાહકો ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2022ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 16 ઓક્ટોબરે રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ઓક્ટોબરે મેલબોર્નમાં સામસામે ટકરાશે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયન મીડિયાના એક રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના અહેવાલ અનુસાર, ઘણા પ્રશંસકો ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ લગભગ 50 ગણી વધારે કિંમતે વેચી રહ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઘણા લોકો સોશિયલ મીડિયા દ્વારા ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે.
ICC has confirmed that the tickets for #INDvPAK in #T20WorldCup2022 at MCG are sold out. pic.twitter.com/ueXemHPYw9
— Muhammad Faizan (@KhanFaizan645) September 15, 2022
સોશિયલ મીડિયા દ્વારા ટિકિટનું બ્લેક માર્કેટિંગ
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો સોશિયલ મીડિયા દ્વારા ટિકિટનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમો 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર આમને-સામને થશે, પરંતુ ચાહકોમાં ટિકિટની માંગને કારણે આ રીતે બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. અગાઉ જ્યારે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનું વેચાણ સત્તાવાર રીતે શરૂ થયું ત્યારે માત્ર 5 મિનિટમાં તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી.
'સત્તાવાર રીતે આવી કોઈ ફરિયાદ મળી નથી'
આ સંદર્ભમાં ટી-20 વર્લ્ડકપ 2022 ના મીડિયા મેનેજર, મેક્સ એબોટે કહ્યું કે તેમને હજી સુધી સત્તાવાર રીતે આવી ફરિયાદ મળી નથી. જોકે, તેમણે સ્વીકાર્યું કે આવી ફરિયાદો સામે આવી રહી છે. ટી-20 વર્લ્ડકપ 2022ના મીડિયા મેનેજર મેક્સ એબોટનું કહેવું છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ટિકિટની ઘણી માંગ છે. ઉપરાંત, ચાહકોને કોઈક રીતે ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ જોઈએ છે. જેના કારણે ટિકિટોના બ્લેક માર્કેટિંગના સતત અહેવાલો સામે આવી રહ્યા છે.