Ind vs SA, 3rd Test, 4th Day Highlights: ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની સાત વિકેટથી હાર, સાઉથ આફ્રિકાએ 2-1થી જીતી સીરીઝ
Ind vs SA, 3rd Test Highlights: કેપટાઉનમાં રમાયેલી સીરિઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટથી હાર આપી હતી
South Africa vs India 3rd Test Newlands Cape Town: કેપટાઉનમાં રમાયેલી સીરિઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઇન્ડિયાને સાત વિકેટથી હાર આપી હતી. આ સાથે સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી લીધી છે. આ હાર સાથે ટીમ ઇન્ડિયાનું સાઉથ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતવાનું સપનું તૂટી ગયું છે.
ભારતે જીતવા માટે સાઉથ આફ્રિકાને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમે ચોથા જ દિવસે ફકત ત્રણ વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. સાઉથ આફ્રિકા તરફથી કિગન પીટરસને સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. સીરિઝમાં પીટરસનની આ ત્રીજી અડધી સદી છે. તે સિવાય વાન ડુર ડુસેન અને ટેમ્બા બાવુમા પોતાની ટીમને જીત અપાવી અણનમ પરત ફર્યા હતા. ડીન એલ્ગરે 96 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે પ્રથમ દાવમાં 223 રન બનાવ્યા હતા જેના જવાબમાં યજમાન ટીમ 210 રનમાં સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 13 રનની લીડ મળી હતી. પરંતુ બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 198 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 212 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો ફ્લોપ શો ચાલુ રહ્યો અને આખી ટીમ માત્ર 198 રનમાં આઉટ થઈ ગઈ હતી. રિષભ પંતે 100 રનની અણનમ ઇનિંગ રમી હતી, પરંતુ બેટ્સમેનો બીજા છેડે ટકી શક્યા ન હતા અને સતત પેવેલિયન પરત ફરતા રહ્યા હતા. ભારતીય ટીમની બીજી ઇનિંગમાં શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલીએ મળીને ઇનિંગ્સને સંભાળી હતી. પરંતુ ત્રીજા દિવસના બીજા બોલ પર જ પૂજારા 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ઋષભ પંત અને કોહલીએ સ્કોરને આગળ વધાર્યો. કોહલી 29 રન બનાવીને આઉટ થયો હતો.