IND vs SL, 1st Test: શ્રીલંકા સામે આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે રોહિત શર્મા, પુજારા-રહાણે વગર રમશે ટીમ ઈન્ડિયા
IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ 4 માર્ચથી મોહાલીમાં રમાશે. કેપ્ટન તરીકે કોહલીએ રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માની આ ટેસ્ટ કેપ્ટન તરીકેની આ પ્રથમ શ્રેણી છે.
IND vs SL: T20 શ્રેણીમાં શ્રીલંકાનો 3-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ ભારતની નજર હવે ટેસ્ટ શ્રેણી પર છે. ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટ 4 માર્ચથી મોહાલીમાં રમાશે. કેપ્ટન તરીકે કોહલીએ રાજીનામું આપ્યા બાદ રોહિત શર્માની આ ટેસ્ટ કેપ્ટન તરીકેની આ પ્રથમ શ્રેણી છે.
પ્રથમ ટેસ્ટ 4 માર્ચે મોહાલીમાં 9.30 કલાકે શરૂ થશે. ટોસ 9 કલાકે થશે. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે. હિન્દીમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 પરથી મેચનું પ્રસારણ જોઈ શકાશે. આ ઉપરાંત લાઈવ સ્ટ્રિમિંગ ડિઝની પ્લસ હોટસ્ટાર અને જિયો ટીવી પરથી નીહાળી શકાશે.
રોહિત શર્માની નજર ટેસ્ટ શ્રેણીની પ્લેઇંગ ઇલેવન પર મંડાઈ છે. કયા ક્રમે કયા બેટ્સમેનને ઉતારવો તેના પર વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. ભારત મિડલ ઓર્ડરમાં વર્ષો પછી પુજારા અને રહાણે વગર રમશે. જેના પરિણામે નવી બેટિંગ લાઇનઅપ જોવા મળશે. રોહિત શર્મા પુજારા અને રહાણેના સ્થાને હનુમા વિહારીને તક આપી શકે છે. શ્રેયસ અય્યરે ટેસ્ટ કરિયરની પ્રથમ મેચમાં જ સદી ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી હતી તેમ છતાં ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા રાહ જોવી પડી શકે છે. જો અય્યરને સમાવાશે તો વિહારીને બહાર બેસવું પડી શકે છે.
વિરાટની 100મી ટેસ્ટ
મોહાલીમાં રમાનાર ટેસ્ટ મેચ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ છે. વિરાટ કોહલી પોતાની ટેસ્ટને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે. શક્ય છે કે, લાંબા સમયથી સદી ફટકારી ન શકનાર વિરાટ આ 100મી ટેસ્ટમાં સદી ફટકારી શકે છે. વિરાટે રવિવારે આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. પહેલા તે દોડ્યો હતો અને પછી નેટ પ્રેક્ટિસ કરી હતી.
પંજાબ ક્રિકેટ એસોસિએશન કરશે વિરાટનું સન્માન
વિરાટની 100મી ટેસ્ટ માટે પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) પણ તૈયારીમાં લાગ્યું છે. આ ટેસ્ટમાં દર્શકોને અન્ટ્રી નહી મળે, તેમ છતાં PCA વિરાટની આ ઉપલબ્ધીને યાદગાર બનાવવા કોઈ કસર છોડવા નથી માંગતું. PCA આ મેચમાં વિરાટનું એક મોટું બિલબોર્ડ સ્ટેડિયમમાં લગાવશે. આ સાથે ટેસ્ટ મેચ શરુ થતા પહેલાં વિરાટને સન્માનિત પણ કરશે.
આવી હોઈ શકે છે પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જયંત યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી