IND vs WI, 2nd ODI: આજે ભારત - વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વન ડે, ભારતની નજર 2022ની પ્રથમ સીરિઝ જીત પર
IND vs WI, 2nd ODI: ભારત ત્રણ વન ડે મેચની સીરિઝમાં 1-0થી આગળ છે, જ્યારે વિન્ડિઝની ટીમ લડાયક દેખાવ કરતાં બરોબરી મેળવવાનો પ્રયાસ કરશે.
IND vs WI, 2nd ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શ્રેણીની બીજી વન ડે રમાશે. પ્રથમ વન ડેમાં ભારતે શાનદાર જીત મેળવી હતી. રોહિતને વન ડે ટીમના કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો તે પછીની આ પ્રથમ શ્રેણી છે, જેમાં ટીમ ઈન્ડિયા જીતવા માટે ફેવરિટ છે. ભારતને આ સાથે ઘરઆંગણે સળંગ ચોથી વન ડે શ્રેણી જીતવાની આશા છે. ભારત ત્રણ વન ડે મેચની સીરિઝમાં 1-0થી આગળ છે, જ્યારે વિન્ડિઝની ટીમ લડાયક દેખાવ કરતાં બરોબરી મેળવવાનો પ્રયાસ કરશે.
કેટલા વાગે શરૂ થશે મેચ
બપોરે 1.30 કલાકથી મેચનો પ્રારંભ થશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.00 કલાકે ટોસ થશે.
ભારતીય ટીમમાં થશે બદલાવ
ભારત પ્રથમ મેચ જીત્યું હોવા છતાં પ્લેઇંગ ઇલેવનના બે થી ત્રણ બદલાવ થઈ શકે છે. ઈશાન કિશનના સ્થાને કેએલ રાહુલ કે શિખર ધવનને તક મળી શકે છે. જ્યારે વોશિંગ્ટન સુંદરના બદલ કુલદીપ યાદવનો સમાવેશ થઈ શકે છે. આ સિવાય કોઈ ફેરફારની શક્યતા નથી.
કોહલીના દેખાવ પર નજર
ભારતીય ક્રિકેટ ચાહકોએ ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર કોહલીના ફોર્મનો ઈંતજાર છે. અમદાવાદમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વન ડેમાં કોહલી માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તેણે અગાઉ સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણીમાં બે અડધી સદીઓ ફટકારી હતી. જોકે ક્રિકેટ જગત છેલ્લા બે વર્ષથી તેની 71મી આંતરરાષ્ટ્રીય સદીની રાહ જોઈ રહ્યું છે. તેણે વન ડેમાં છેલ્લી 43મી સદી ઓગસ્ટ, 2019માં વિન્ડિઝ સામે ફટકારી હતી. જે પછી તે 10 અડધી સદી ફટકારી ચૂક્યો છે, પણ સદીથી વંચિત રહ્યો છે.
વન ડે સીરિઝ માટે બંને દેશોએ જાહેર કરેલી ટીમ
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), રાહુલ (વાઈસ કેપ્ટન), કોહલી, સુર્યકુમાર, અગ્રવાલ, અવેશ ખાન, ચહલ, દીપક ચાહર, ધવન, ગાયકવાડ, હૂડા, કિશન (વિ.કી.), કુલદીપ યાદવ, સિરાજ, પંત (વિ.કી.), ક્રિશ્ના, બિશ્નોઈ, ઠાકુર, સુંદર અને શ્રેયસ ઐયર.
વિન્ડિઝની ટીમ : પોલાર્ડ (કેપ્ટન), એલન, બોન્નેર, ડેરૈન બ્રાવો, બૂ્રક્સ, હોલ્ડર, શાઈ હોપ (વિ.કી.), હોસૈન, જોસેફ, કિંગ, પૂરણ (વિ.કી.), રોચ, શેફર્ડ, સ્મિથ અને વોલ્શ.