IND vs WI: ટી20 ટીમમાં રિંકૂ સિંહને મળશે તક, મોહમ્મદ શમીને લઈ સામે આવ્યું મોટુ અપડેટ
જુલાઈમાં ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં સીરીઝ રમશે.
IND vs WI T20I Indian Team: જુલાઈમાં ટીમ ઈન્ડિયા વેસ્ટઈન્ડિઝના પ્રવાસે જશે. આ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં સીરીઝ રમશે. બીસીસીઆઈ તરફથી ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે 3 ઓગસ્ટથી રમાનારી ટી20 સીરીઝ માટે ટીમની જાહેરાત થવાની બાકી છે. ટી20 ટીમમાં કેકેઆરના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને તક મળી શકે છે. જ્યારે મોહમ્મદ શમીની ટીમમાં વાપસી થઈ શકે છે.
વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી20 મેચોની સીરીઝ
ભારતીય ટીમના સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટેસ્ટ અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, પરંતુ તેને ટી-20 સીરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ IPL 2023માં ધમાલ મચાવનાર રિંકુ સિંહ ટી-20 સીરીઝ દ્વારા પહેલીવાર ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી20 મેચોની સીરીઝ રમશે.
રિંકુએ IPL 2023માં શાનદાર પ્રદશર્ન કર્યું
ભારતીય ટીમ લાંબા સમયથી T20 ક્રિકેટમાં ફિનિશરની શોધમાં હતી, જેના કારણે વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને ઘણી તકો આપવામાં આવી હતી, પરંતુ તે તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જેના કારણે રિંકુ સિંહ ભારતીય ટીમ સાથે જોડાઈ શકે છે. રિંકુએ IPL 2023માં પોતાના પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેણે ટૂર્નામેન્ટમાં KKR માટે ઘણા રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં રિંકુએ 14 મેચમાં 59.25ની એવરેજ અને 149.53ની સ્ટ્રાઈક રેટથી 474 રન બનાવ્યા હતા.
View this post on Instagram
મોહમ્મદ શમી આ વર્ષે રમાયેલી કોઈપણ T20 શ્રેણીમાં T20 ટીમનો ભાગ નથી. પરંતુ IPL 2023માં પોતાના શાનદાર પ્રદર્શનથી તેણે પોતાને T20 ટીમમાં સામેલ કરવા માટે મજબૂર કરી દીધી છે. IPL 16માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા શમીએ 28 વિકેટ લીધી હતી. જેના માટે તેને પર્પલ કેપ મળી હતી. ભુવનેશ્વર કુમાર લાંબા સમયથી T20 ટીમમાં જોવા મળ્યો નથી, શમી તેની જગ્યા લઈ શકે છે.
12 જુલાઇથી શરૂ થઇ રહ્યો છે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ -
ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત બુધવાર, 12 જુલાઈએ પ્રથમ ટેસ્ટ મેચથી થશે, જે ડૉમિનિકામાં રમાશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે. આ પછી 27 જુલાઈ, ગુરુવારથી ત્રણ મેચની વનડે સીરીઝ શરૂ થશે. વળી, 5 મેચોની T20 સીરીઝ ગુરુવાર, 3 ઓગસ્ટથી શરૂ થશે, અને આ પ્રવાસની છેલ્લી મેચ 13 ઓગસ્ટ, શનિવારે રમાશે.