લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
SIR Voter List: ચૂંટણી સુધારાઓ પર પોતાની વાત રજૂ કરતી વખતે નિશિકાંત દુબેએ પારદર્શિતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Nishikant Dubey statement on voter list SIR: લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પરની ચર્ચા દરમિયાન ગોડ્ડાના સાંસદ નિશિકાંત દુબેએ એક રસપ્રદ કિસ્સો ટાંક્યો હતો. તેમણે ગૃહમાં સ્વીકાર્યું હતું કે બિહારમાં ચાલતી SIR (મતદાર સુધારણા પ્રક્રિયા) અંતર્ગત તેમના માતા-પિતાના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. જોકે, આ બાબતે ફરિયાદ કરવાને બદલે તેમણે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે EVM અને મતદાનની ઉંમર ઘટાડવાના મુદ્દે કોંગ્રેસને ઇતિહાસના પાઠ ભણાવ્યા હતા અને કહ્યું હતું કે અમે વોટબેંક નહીં પણ રાષ્ટ્રની રાજનીતિ કરીએ છીએ.
‘માતા-પિતા દિલ્હીમાં રહે છે, બિહારમાં મતનો અધિકાર નથી’
ચૂંટણી સુધારાઓ પર પોતાની વાત રજૂ કરતી વખતે નિશિકાંત દુબેએ પારદર્શિતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે SIR (મતદાર યાદી સુધારણા) નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "મારા માતા-પિતા હવે ગામમાં રહેતા નથી, તેઓ મારી સાથે દિલ્હીમાં સ્થાયી થયા છે. તેથી, જ્યારે SIR પ્રક્રિયામાં તેમના નામ બિહારની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા, ત્યારે મને દુઃખ નહીં પણ આનંદ થયો. કારણ કે કાયદેસર રીતે તેઓ હવે બિહારમાં મતદાન કરવા માટે લાયક નથી." દુબેએ આ ઉદાહરણ આપીને મતદાર યાદીમાંથી બોગસ કે સ્થળાંતરિત થયેલા નામો દૂર કરવાની પ્રક્રિયાનું સમર્થન કર્યું હતું.
EVM કોણ લાવ્યું? રાજીવ ગાંધીને યાદ કર્યા
વિપક્ષ દ્વારા વારંવાર EVM પર ઉઠાવવામાં આવતા સવાલોનો જવાબ આપતા નિશિકાંત દુબેએ કોંગ્રેસને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું, "દેશમાં EVM લાવવાનો શ્રેય કોંગ્રેસને જાય છે, ભાજપને નહીં. વર્ષ 1987 માં રાજીવ ગાંધીએ જ પાયલોટ પ્રોજેક્ટ તરીકે EVM ની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1991 માં નરસિંહ રાવની સરકારે તેને આગળ ધપાવ્યું હતું." તેમણે વધુમાં ઉમેર્યું કે 1961 અને 1971 માં સિલેક્ટ કમિટીના ચેરમેન જગન્નાથ રાવ કોંગ્રેસી હતા અને 1971 માં તત્કાલીન કાયદા મંત્રી એચ.આર. ગોખલેએ જ SIR જેવી સુધારણા પ્રક્રિયાની હિમાયત કરી હતી.
ઇતિહાસ સાથે ચેડાં કોણ કરે છે?
નિશિકાંત દુબેએ કોંગ્રેસ પર ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, "આજે કોંગ્રેસના એક વક્તા દાવો કરી રહ્યા હતા કે રાજીવ ગાંધીએ 1988 માં મતદાનની ઉંમર 21 થી ઘટાડીને 18 વર્ષ કરી, જે મોટો સુધારો હતો. પરંતુ સત્ય એ છે કે 1972 માં જ સંયુક્ત સમિતિએ આ ભલામણ કરી દીધી હતી. કોંગ્રેસને આ ભલામણ લાગુ કરતા 16 વર્ષ લાગી ગયા." દુબેએ કટાક્ષ કર્યો હતો કે ઇતિહાસ બદલવાની કળા તો કોંગ્રેસ પાસેથી શીખવી જોઈએ.
ચૂંટણીના આંકડા અને રાષ્ટ્રની રાજનીતિ
પોતાની દલીલને મજબૂત કરવા માટે નિશિકાંત દુબેએ બિહારની વિવિધ બેઠકોના ચોંકાવનારા આંકડા સંસદમાં રજૂ કર્યા હતા:
વાલ્મીકિ નગર: અહીં 2311 મતો રદ થયા અને કોંગ્રેસ માત્ર 1675 મતોથી જીતી.
ચાણપટિયા: SIR પ્રક્રિયામાં 1033 મતો રદ થયા, કોંગ્રેસ 602 મતોથી જીતી.
ઢાકા: 457 મતો રદ થયા અને RJD 178 મતોથી જીત્યું.
ફોર્બ્સગંજ: 1400 મતો રદ થયા, કોંગ્રેસ 221 મતોથી જીતી.
બલરામપુર: 1468 મતો રદ થયા, LJP (R) 389 મતોથી જીતી.
રામગઢ: 1197 મતો રદ થયા, બસપા 30 મતોથી જીતી.
જહાનાબાદ: 1832 મતો રદ થયા, RJD 793 મતોથી જીતી.





















