Washington Sundar Covid Positive: સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી પર ખતરો, ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી આવ્યો કોરોના પોઝિટિવ
Washington Sundar Covid Positive: ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પ્રવાસે છે. ટેસ્ટ શ્રેણી બાદ વન ડે સીરિઝ રમાશે.
Washington Sundar Covid Positive: ભારતીય ટીમ હાલ સાઉથ આફ્રિકા પ્રવાસે છે. બંને દેશ વચ્ચે હાલ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ટેસ્ટ સીરિઝ પૂરી થયા બાદ વન ડે સીરિઝ રમાશે. પરંતુ આ પહેલા ભારતીય ટીમમાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. સાઉથ આફ્રિકા સામે રમાનારી વન ડે સીરિઝમાં સામેલ કરવામાં આવેલા ખેલાડી વોશિંગ્ટન સુંદરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ વન ડે સીરિઝ પર ખતરો ઉભો થયો છે. જો સુંદર સિવાય અન્ય ક્રિકેટર્સ પણ કોવિડ પોઝિટિવ આવશે તો સીરિઝ રદ્દ પણ થઈ શકે છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19 જાન્યુઆરીથી ત્રણ મેચની વન ડે સીરિઝ રમાશે. જેમાંથી પણ 22 વર્ષીય સુંદર બહાર થઈ શકે છે. ભારતીય ટીમના વન ડે ખેલાડીઓએ 12 જાન્યુઆરીએ સાઉથ આફ્રિકા જવા રવાના થવાનું હતું પરંતુ હવે સુંદરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેનું આ પ્રવાસમાં જવું મુશ્કેલ લાગી રહ્યું છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સુંદરને લઈ હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી આપી નથી. હાલ ભારતીય વન ડે ટીમના ખેલાડીઓ મુંબઈ સ્થિત એક હોટલમાં છે, જ્યાંથી બુધવારે સાઉથ આફ્રિકા રવાના થશે.
છ મહિનાથી હતો ટીમ ઈન્ડિયાથી બહાર
સુંદરની લાંબા સમય બાદ ભારતીય ટીમમાં વાપસી થઈ હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર પ્રેક્ટિસ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થવાના કારણે આશરે છ મહિનાથી ટીમ ઈન્ડિયાથી બહાર હતો. આ કારણે તે યુએઈમાં રમાયેલી આઈપીએલ 2021ના બીજા તબક્કા અને ટી-20 વર્લ્ડકપમાંથી પણ બહાર થઈ ગયો હતો.
વોશિંગ્ટન સુંદરની કરિયર
વોશિંગ્ટન સુંદરે 4 ટેસ્ટ મેચની 6 ઈનિગમાં બે વખત નોટ આઉટ રહીને 265 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 96 રન નોટઆઉટ છે અને 10 વિકેટ પણ ઝડપી છે. એક વન ડે ઈન્ટરનેશલમાં એક વિકેટ પણ લીધી છે. 31 ટી20 ઈન્ટરનેશનલમાં તેણે 146.9ના સ્ટ્રાઇક સાથે 47 રન બનાવવાની સાથે 30 વિકેટ પણ લીધી છે. આઈપીએલની 42 મેચમાં તેણે 111.3ના સ્ટ્રાઇક રેટથી 217 રન બનાવવાની સાથે 41 વિકેટ પણ ઝડપી છે.