ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રોહિત શર્માનું નસીબ ફરી ખરાબ, બનાવ્યો સૌથી શરમજનક રેકોર્ડ
Rohit Sharma toss streak: ODIમાં સતત 10મી વખત ટોસ હાર્યા, ત્રીજા સૌથી વધુ ટોસ હારનારા કેપ્ટન બન્યા.

India toss record: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન રોહિત શર્માનું નસીબ સાથ નથી આપી રહ્યું. ન્યૂઝીલેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચમાં રોહિત શર્માએ ફરી ટોસ ગુમાવ્યો છે અને એક અનિચ્છનીય રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા ODI ક્રિકેટના ઇતિહાસમાં સતત 10 વખત ટોસ હારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયા છે. આ સાથે, સૌથી વધુ સતત ટોસ હારવાના મામલે તેઓ વિશ્વ ક્રિકેટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.
ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો દુબઈના મેદાન પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ગ્રુપ મેચમાં સામસામે ટકરાઇ રહી છે. બંને ટીમો સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી ચુકી છે, પરંતુ આ મેચ ગ્રુપ Aમાં ટોચના સ્થાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેચની શરૂઆત પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું.
ટોસની પ્રક્રિયામાં રોહિત શર્મા ફરી એકવાર નિરાશ થયા અને સતત 10મી વખત ટોસ હારી ગયા. ODI ક્રિકેટમાં કોઈ ભારતીય કેપ્ટન દ્વારા સતત સૌથી વધુ ટોસ હારવાનો આ એક નવો રેકોર્ડ છે. એટલું જ નહીં, વિશ્વ ક્રિકેટમાં પણ રોહિત શર્મા હવે સતત સૌથી વધુ ટોસ હારનારા કેપ્ટનોની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયા છે.
ODI ક્રિકેટમાં કેપ્ટન દ્વારા સૌથી વધુ સતત ટોસ હારવાનો રેકોર્ડ:
ક્રમ કેપ્ટન ટોસ હાર (સતત)
1 બ્રાયન લારા 12
2 પીટર બોરેન 11
3 રોહિત શર્મા 10
ટીમ ઈન્ડિયાની ટોસ હારવાની કમનસીબી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચથી શરૂ થઈ હતી અને ત્યારથી સતત ચાલુ રહી છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં ભારતે વનડે ક્રિકેટમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો અગાઉનો શરમજનક રેકોર્ડ પણ તોડ્યો હતો, જે નેધરલેન્ડના નામે હતો (સતત 11 વખત ટોસ હારવાનો રેકોર્ડ).
આજની મેચમાં બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કર્યો છે. ન્યૂઝીલેન્ડની ટીમમાં ડેવોન કોનવેની જગ્યાએ ડેરીલ મિશેલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ટીમે હર્ષિત રાણાના સ્થાને વરુણ ચક્રવર્તીને તક આપી છે. ખાસ વાત એ છે કે વરુણ ચક્રવર્તી આ મેચ દ્વારા ICC ODI ટૂર્નામેન્ટમાં ડેબ્યૂ કરી રહ્યો છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન:
ન્યુઝીલેન્ડ: વિલ યંગ, ડેરીલ મિશેલ, કેન વિલિયમસન, ટોમ લાથમ (વિકેટકીપર), રચિન રવિન્દ્ર, ગ્લેન ફિલિપ્સ (wk), માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, વિલિયમ ઓ'રર્કે, કાયલ જેમિસન.
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ.
આ પણ વાંચો....
ભારત સામે સેમીફાઈનલ રમવા માટે બે ટીમો દુબઈ પહોંચશે, આ કારણોસર લેવાયો મોટો નિર્ણય



















