IPL 2021, RCB vs SRH: આજે RCB અને SRH વચ્ચે ટક્કર, ટોપ-2માં પહોંચવાનો પ્રયાસ કરશે કોહલીની ટીમ
IPL 2021, Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad:
દુબઇઃ આઇપીએલ 2021માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો યોજાશે. બંન્ને વચ્ચે સાડા સાત વાગ્યે મેચ રમાશે. વિરાટ કોહલીની આગેવાનીવાળી આરસીબીએ પ્લે ઓફમાં સ્થાન મેળવી લીધું છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ અગાઉથી જ પ્લે ઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. પોઇન્ટ ટેબલ્સમાં બેંગ્લોર 12 મેચમાં આઠ જીત સાથે 16 પોઇન્ટ્સ મેળવી બીજા સ્થાન પર છે. જ્યારે હૈદરાબાદ 12 મેચમાં બે મેચ જીતી શકી છે અને પોઇન્ટ ટેબલમાં આઠમા સ્થાન પર છે.
જો આરસીબી પોતાની બંન્ને મેચ જીતી લેશે તો તેના20 પોઇન્ટ થઇ જશે અને તેની પાસે ટોપ 2માં રહેવાની તક હશે. આરસીબીએ બીજા તબક્કાની શરૂઆત સારી રહી નહોતી. તેણે સતત બે મેચ ગુમાવી હતી પરંતુ બાદમાં જીતની હેટ્રિક લગાવી પ્લે ઓફમાં પહોંચી હતી. છેલ્લી મેચમાં આરસીબીએ પંજાબને છ વિકેટે હાર આપી હતી.
આરસીબી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરી શકે છે. જ્યોર્જ ગાર્ટનના સ્થાને શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને સ્થાન મળી શકે છે. હૈદરાબાદે આઇપીએલના બીજા તબક્કામાં અત્યાર સુધી પાંચ મેચ રમી છે જેમાંથી એકમાં જ વિજય મેળવ્યો છે. નોંધનીય છે કે સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ ખૂબ નિરાશ કર્યા છે. બોલિંગમાં પણ ભુવનેશ્વર કુમાર અને સિદ્ધાર્થ કૌલ ખાસ પ્રદર્શન કરી શક્યા નથી. આજે મેચમાં અભિષેક શર્માના સ્થાન મનીષ પાંડેને તક મળી શકે છે. કોહલી અત્યાર સુધી મોટો સ્કોર કરી શક્યો નથી. તેની સાથે યુવા ઓપનર દેવદત્ત પડ્ડિકલે સારુ પ્રદર્શન કર્યું છે.