ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો
આગામી IPL 2022માં, BCCI કોરોનાને હળવાશથી લેવાના મૂડમાં નથી અને કેટલાક કડક પગલાં અને ગંભીર નિયંત્રણો લાદવા માટે BCCI તૈયાર છે.
ભારતમાં કોરોના મહામારીનો પ્રકોપ ભલે ઓછો થયો હોય, પરંતુ કોરોનાનો ખતરો હજુ ટળ્યો નથી. આગામી IPL 2022માં, BCCI કોરોનાને હળવાશથી લેવાના મૂડમાં નથી અને કેટલાક કડક પગલાં અને ગંભીર નિયંત્રણો લાદવા માટે BCCI તૈયાર છે. IPL 2022 દરમિયાન ખેલાડીઓ અને ટીમના અધિકારીઓ દ્વારા પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા પર સખત પ્રતિબંધો લાગી શકે છે. આ પ્રતિબંધોમાં મેચના સસ્પેન્શનથી લઈને સાત દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેવા અથવા તો ટૂર્નામેન્ટમાંથી જ કાઢી દેવા સુધીનો હોઈ શકે છે. બીજી તરફ, ખેલાડી અથવા મેચ અધિકારીના પરિવારના સભ્ય જો બાયો બબલ તોડશે તો વધુ ગંભીર પ્રતિબંધો લાગી શકે છે.
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, જો કોઈ ટીમ જાણીજોઈને કોઈ બહારના વ્યક્તિને ટીમના બાયો બબલમાં પ્રવેશવાની મંજૂરી આપેશે, તો તેને પ્રથમ ભૂલ માટે 1 કરોડ રૂપિયાના દંડની સજા થઈ શકે છે અને પછીની ભૂલ માટે ટીમની પોઈન્ટ ટેબલમાંથી 1 કે 2 માર્ક કટ કરવાની સજા પણ થઈ શકે છે. બીસીસીઆઈએ કહ્યું, "કોવિડ-19 મહામારી વ્યક્તિઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે અને અનુકુળ વાતાવારણમાં આઈપીલેના સંચાલન માટે દરેક વ્યક્તિ દ્વારા સહકાર આપવો અને નિયમોનું પાલન કરવું જરુરી છે.
પેનલ્ટીના કોષ્ટક Aમાં, એવું જણાવવામાં આવ્યું છે કે જો કોઈ ખેલાડી, ટીમ અધિકારી અથવા મેચ અધિકારી દ્વારા બાયો બબલ તોડવામાં આવશે, તો તેમના પર સખત પ્રતિબંધો લગાવામાં આવશે.
કોઈ પરિસ્થિતિમાં BCCI પોતાની રીતે મેચોનું શેડ્યુલ ફરીથી તૈયાર કરવાનો પ્રયાસ કરશે. જો આ શક્ય ન બને તો આ મુદ્દો IPL ટેકનિકલ કમિટીને મોકલવામાં આવશે. IPLની ટેકનિકલ કમિટિનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કોવિડ ટેસ્ટ ન કરાવતા લોકો માટે પણ પ્રતિબંધો સૂચવવામાં આવ્યા છે. પ્રથમ ગુના પર ચેતવણી આપવામાં આવશે અને ત્યાર પછીના ગુના માટે ગુના દીઠ 75,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આ કેટેગરીનો ગુનો કરનાર જ્યાં સુધી ચૂકી ગયેલ ટેસ્ટ ના પૂર્ણ કરી લે ત્યાં સુધી સ્ટેડિયમ અથવા તાલીમ સુવિધામાં પ્રવેશ નહી કરી શકે. IPLની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થશે, જેમાં પ્રથમ મેચમાં CSK અને KKR સામસામે ટકરાશે.