IPL 2024: CSK વિરુદ્ધ ઋષભ પંતે કરી મોટી ભૂલ, 12 લાખ રૂપિયાનો ફટકારાયો દંડ
IPL 2024: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL 2024: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટનને રવિવારે IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. દિલ્હીએ વિશાખાપટ્ટનમમાં IPL 2024 ની તેની પ્રથમ જીત નોંધાવી હતી પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની એક ભૂલ તેને મોંઘી પડી હતી.
સીએસકે સામે દિલ્હી કેપિટલ્સની સ્લો ઓવર રેટ બદલ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઋષભ પંત વર્તમાન IPLમાં બીજો એવો કેપ્ટન બન્યો છે, જેને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને દંડ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હીએ નોંધાવી સીઝનની પ્રથમ જીત
IPL 2024 ની 13મી મેચ રવિવારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટુર્નામેન્ટમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે તેમની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ ઘરથી દૂર રમી રહી હતી. વર્તમાન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ એકમાત્ર એવી ટીમ છે જેણે ઘરની બહાર મેચ જીતી છે. KKR એ બેંગ્લોરને તેના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં હરાવ્યું હતું.
પંત અને ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો કારણ કે આ ટીમનો પહેલો ગુનો હતો. જો આ ભૂલનું પુનરાવર્તન થશે તો કેપ્ટનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય ટીમના અન્ય સભ્યોને પણ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવશે.
જો ટીમ ત્રીજી વખત ભૂલ કરશે તો કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. ટીમના અન્ય સભ્યોને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવશે.
IPL 2024માં દિલ્હી સામેની મેચમાં ધોની પહેલીવાર બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો. દિલ્હીના ફાસ્ટ બોલર મુકેશ કુમારે મેચમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. મુકેશે ધોની અને જાડેજાની સામે 19મી ઓવરમાં માત્ર 5 રન જ ખર્ચ્યા અને ટીમને જીત અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. આ મેચમાં ચેન્નાઈને 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો.