Gujarat: ફેબ્રુઆરી મહિનામાં પણ પડશે વરસાદ, જાણો ક્યાં વિસ્તારોમાં કરાઈ વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વખત આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ફેબ્રુઆરી મહિનામાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. હાલ સાયક્લોનિક સર્કયુલેશન સિસ્ટમને લઈને અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ છે. અમદાવાદ લઘુત્તમ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતી કાલથી તાપમાન 2-4 ડિગ્રી ઘટશે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં લધુત્તમ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહશે. ફેબ્રુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક જિલ્લામાં છુટા છવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે. ફેબ્રુઆરીથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સાથે ધુમ્મસ જોવા મળશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,અમદાવાદમાં છૂટછવાયો વરસાદનું અનુમાન છે. ખાસ કરીને મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટાની વધુ અસર જોવા મળી શકે છે. ઉપરાંત રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગુજરાતમાં આ કારણે પવનની ગતિ પણ વધશે.
લઘુત્તમ તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડાનાં સંકેતો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 ફેબ્રુઆરીએ પણ દિલ્હીમાં વરસાદ થવાની સંભાવના છે. 8 ફેબ્રુઆરી સુધીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 9 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાનમાં આંશિક વધારાની આગાહી કરવામાં આવી છે. દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસ રહેશે.
રવિવારે દિલ્હીમાં અંશતઃ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનના સરેરાશ તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ છે. રાજધાનીમાં સવારે 8:30 કલાકે ભેજનું પ્રમાણ 97 ટકા નોંધાયું હતું.
દિલ્હીમાં વરસાદની આગાહી
દિલ્હીમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાષ્ટ્રીય રાજધાની માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દિવસની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થશે, રાત્રે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે સવારે, ગાઢ ધુમ્મસની ચાદર રાજધાની પર છવાઈ હતી, જેના કારણે રસ્તાઓ પર વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટીના કારણે ઓફિસ જતા લોકો અને સ્કૂલ બસોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલકોએ રોડ પર હેડલાઇટ ચાલુ રાખીને સાવધાનીપૂર્વક વાહન ચલાવવું પડે છે. દિલ્હીમાં આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાનની પેટર્ન બદલાવવાના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.





















