Parliament Budget Session: મહાકુંભ દુર્ઘટના મામલે સંસદમાં હોબાળો, મૃતકોની યાદી જાહેર કરવા માંગણી
Parliament Budget Session:સંસદના બજેટ સત્ર દરમિયાન સોમવારે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષે પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન દરમિયાન નાસભાગનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, યુપીની યોગી સરકાર મૃતકોનો સાચો આંકડો છુપાવી રહી છે

Parliament Budget Session: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ દરમિયાન, મૌની અમાસના રોજ અમૃત સ્નાન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. મૃત્યુ પામેલા લોકો અંગે વિવિધ પ્રકારની માહિતી બહાર આવી રહી છે. કેટલાક લોકો દાવો કરે છે કે, એક કરતા વધુ જગ્યાએ નાસભાગ મચી હતી, પરંતુ સરકાર સત્ય છુપાવી રહી છે.
સંસદના બજેટ સત્ર દરમિયાન સોમવારે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. પ્રશ્નકાળ દરમિયાન વિપક્ષે પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન દરમિયાન નાસભાગનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, યુપીની યોગી સરકાર મૃતકોનો સાચો આંકડો છુપાવી રહી છે અને સરકારે મૃતકોની સંપૂર્ણ યાદી જાહેર કરવી જોઈએ. નોંધનિય છે કે, બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધન સાથે થઈ હતી. શનિવારે સામાન્ય બજેટ રજૂ થયા બાદ સોમવારે પ્રશ્નકાળ પછી રાષ્ટ્રપતિના સંબોધનની ચર્ચા થઈ રહી છે. વિપક્ષના હોબાળા વચ્ચે ચર્ચા શરૂ થઈ, જેના અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાબ આપશે.
દેશની જનતાએ તમને આ માટે જ ચૂંટ્યા છે - સ્પીકર
ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. મૃતકોની યાદી જાહેર કરવાના સૂત્રોચ્ચાર કરતા અનેક સભ્યો ગૃહની સામે આવ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.ગૃહની કાર્યવાહી દરમિયાન, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને શાંત રહેવાની અપીલ કરી અને કહ્યું કે દેશની જનતાએ તમને આ જ કામ માટે ચૂંટ્યા છે.
વિપક્ષના હોબાળા વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, વિપક્ષ દ્વારા આ રીતે ગૃહને ખોરવવું યોગ્ય નથી. સંબોધન પર ચર્ચા દરમિયાન વિપક્ષ તેમના વિચારો રજૂ કરી શકે છે.
શું હતો મામલો
ઉલ્લેખનિય છે કે, મૌની અમાસના દિવસે સંગમ ઘાટ પર શ્રદ્ધાળુની ભીડ બેકાબૂ બની હતી અને નાસભાગની ઘટના બની હતી. જેમાં 30થી વધુ લોકોના મોતના અને અનેક લોકોના ઘાયલના અહેવાલ સામે આવ્યાં છે, સંગમ ઘાટ પર મૌની અમાસની સ્નાનનું વિશેષ મહત્વ હોવાથી લાખોની સંખ્યામાં લોકો સંગમ ઘાટ પર એકઠા થયાં હતા આ સમયે ભીડમાં એક મહિલા બેભાન થઇ જતાં લોકો બેરેકેટ તોડી આગળ વધ્યાં હતા અને ભીડ ઘાટ પર બેઠેલા લોકો પર ચઢી ગઇ હતી નાસભાગ બાદ ભીડ કાબૂમાં ન લઇ શકાતા 30થી વધુના મોત થયા છે.જ્યારે અનેક ઘાયલ થયા છે. આ ઘટનાને લઇને અને મૃતકોની સાચી સંખ્યા છુપાવાવના આરોપોને લઇને વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે. આ મામલે આજે પણ લોકસભામાં હોબાળો થયો હતો.





















