જૂનાગઢ મનપામાં કૉંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ BJP 8 બેઠક જીત્યું
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનપા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસ ઉમેદવારએ સમર્થન આપ્યું છે.

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મનપા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસ ઉમેદવારએ સમર્થન આપ્યું છે. વોર્ડ 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલએ સમર્થન આપ્યું છે. 60 માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિન હરીફ થઇ છે. શહેર ભાજપ પ્રમુખએ સત્તાવાર માહિતી આપી હતી. આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હતી.
કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો
જૂનાગઢ મનપાની ચૂંટણીને લઈ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 3 અને 14માં કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું હતું. જૂનાગઢ મનપામાં 8 બેઠકો બિનહરીફ થઈ છે.
જૂનાગઢ વોર્ડ નંબર 11 ના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ધર્મેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા હતા. ભાજપના વોર્ડ નંબર 11 ના ઉમેદવારોને હવે સમર્થન આપશે. ધર્મેન્દ્ર મોદીએ કહ્યું, વોર્ડ નંબર 11 ભાજપની પેનલને જીતાડવા પ્રયાસ કરીશ.
જૂનાગઢ મહાનગરપાલિકા 2019 ચૂંટણી પરિણામ
ભાજપ - 54
NCP - 04
કોંગ્રેસ - 02
કુલ 15 વોર્ડ છે
કૂલ બેઠકો- 60
બોટાદમાં ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ
બોટાદ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 7માં ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ વોર્ડમાં ભાજપના ઉમેદવારો સામે કોઈપણ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હોવાથી મતદાન પહેલાં જ ભાજપને વિજય મળ્યો છે.
વાંકાનેરમાં પણ ભાજપના 7 ઉમેદવારો બિનહરીફ
વાંકાનેર નગરપાલિકામાં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે, જ્યાં કુલ 28 બેઠકો પૈકી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 1ના તમામ 4 ભાજપના ઉમેદવારો સામે કોઇએ પણ ઉમેદવારી નથી નોંધાવી તેમજ વોર્ડ નંબર 5માં પણ ત્રણ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મહત્વની તારીખો
- ચૂંટણીની જાહેરાતની તારીખ તા 21/01/2025
- જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ તા 27/01/2025
- ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ તા 01/02/2025
- ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ તા 03/02/2025
- ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 04/02/2025
- મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
- પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
- મતગણતરીની તારીખ તા.18/02/2025
- ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
રાજ્યમાં આગામી 16મી ફેબ્રુઆરીએ 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેની મતગણતરી 18મી ફેબ્રુઆરી કરવામાં આવશે.




















