ક્રિકેટ ચાહકો માટે ખુશખબર: IPL ૧૬ મેથી ફરી શરૂ થવાની સંભાવના, BCCIની ૩ યોજનાઓ તૈયાર, ગુજરાત ટાઈટન્સે પ્રેક્ટિસ...
પાકિસ્તાન સાથે શાંતિ પુનઃસ્થાપિત થતાં આઇપીએલની વાપસીનો માર્ગ મોકળો; ૧૨ લીગ અને ૪ પ્લેઓફ મેચ બાકી, વિદેશી સ્ટાર્સની ગેરહાજરીની ચિંતા વચ્ચે ગુજરાત ટાઇટન્સ મેદાનમાં ઉતરી.

IPL 2025 restart date: ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવમાં શાંતિનો માર્ગ મોકળો થતા જ ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટી અને ખુશખબર સામે આવી છે. રોમાંચક ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ફરીથી મેદાનમાં ધૂમ મચાવવા માટે સજ્જ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આઇપીએલની બાકીની મેચો આગામી ૧૬ મેથી શરૂ થઈ શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આ માટે ત્રણ અલગ અલગ સમયપત્રક પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે આઇપીએલ ફરી શરૂ થવા અંગે એક મોટું અપડેટ આવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરાયેલી આ સિઝનમાં હવે માત્ર ૧૨ લીગ મેચ અને ફાઇનલ સહિત ચાર પ્લેઓફ મેચ રમવાની બાકી છે. બીસીસીઆઈ દ્વારા આ મેચોના આયોજન માટે ત્રણ વિવિધ સમયપત્રક તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી એક આજે રાત્રે અથવા મંગળવારે જાહેર થવાની શક્યતા છે.
BCCIની રણનીતિ અને બાકી મેચોનું ભવિષ્ય
બીસીસીઆઈ દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓ પૈકી એક મુજબ, પંજાબ કિંગ્સને ધર્મશાલાના બદલે અન્ય કોઈ મેદાન અલોટ કરવામાં આવશે, તેવી જ રીતે દિલ્હી કેપિટલ્સને પણ બીજું હોમ ગ્રાઉન્ડ મળી શકે છે. જ્યારે અન્ય તમામ ટીમો પોતાની બાકીની મેચો પોતાના નિયત મેદાન પર જ રમશે. આ વ્યવસ્થાપન દ્વારા ટૂર્નામેન્ટને સરળતાથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
વિદેશી ખેલાડીઓ અને મેચ રદ થવાની અસર
જોકે, આઇપીએલના પુનઃપ્રારંભ સાથે એક મોટી ચિંતા ઘણા વિદેશી ખેલાડીઓની અનુપલબ્ધતાની છે. મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, ડેવાલ્ડ બ્રેવિસ અને ફિલ સોલ્ટ જેવા કેટલાક મુખ્ય વિદેશી ખેલાડીઓ બાકીની મેચોમાંથી બહાર થઈ શકે છે, અને તેમણે પોતપોતાની ટીમોને આ અંગે જાણ પણ કરી દીધી છે. આનાથી ઘણી ટીમોના સંતુલન પર અસર પડી શકે છે.
આ ઉપરાંત, પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની અધૂરી રહેલી મેચને હવે રદ ગણવામાં આવશે. આ મેચ ફરીથી રમાશે નહીં, અને બંને ટીમોને એક એક પોઈન્ટ આપવામાં આવશે.
ગુજરાત ટાઇટન્સની સજ્જતા
બીજી તરફ, અમદાવાદ સ્થિત ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલના પુનઃપ્રારંભની તૈયારીઓ રૂપે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમના ખેલાડીઓ રવિવારે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા અને સઘન પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. નોંધનીય છે કે ટીમમાં ગુજરાતના વિદેશી ખેલાડીઓ પણ ઉપસ્થિત છે, જે દર્શાવે છે કે ટીમ આગામી પડકારો માટે સંપૂર્ણપણે તૈયાર છે.



















