IPL 2022 Auction: IPLમાં 2 મેચ રમીને 1 રન બનાવ્યો અને એકપણ વિકેટ નથી લીધી, તેમ છતાં આ ખેલાડીને હરાજીમાં 10.75 કરોડ મળ્યા
શ્રીલંકાના આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે.
IPL Auction 2022 Wanindu Hasaranga Royal Challengrs Banglore: IPL ઓક્શન 2022 પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 600 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પરંતુ માત્ર 204 ખેલાડીઓ જ ખરીદવામાં આવ્યા હતા. ટીમોએ આ ખેલાડીઓ પર 551 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ હરાજીમાં ભારતની સાથે અન્ય દેશોના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. તેમાં શ્રીલંકાના લેગ સ્પિનર વાનિન્દુ હસરંગાએ પણ ભાગ લીધો હતો. ICC રેન્કિંગમાં વાનિન્દુ હાલમાં T20 ફોર્મેટમાં નંબર વન બોલર છે. તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હરાજીમાં 10.75 કરોડમાં ખરીદ્યો હતો.
વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક વાનિન્દુએ IPLની છેલ્લી સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે તેને વધુ મેચમાં રમવાની તક મળી શકી નથી. તે અત્યાર સુધી માત્ર 2 આઈપીએલ મેચ રમી શક્યો છે. આ દરમિયાન વનિન્દુને એક પણ વિકેટ મળી ન હતી. જ્યારે તેણે માત્ર એક રન બનાવ્યો છે. પરંતુ તેમ છતાં તે IPLની હરાજીમાં 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ લઈને આવ્યો હતો અને તેને 10.75 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. તેને આરસીબીએ મૂળ કિંમત કરતાં લગભગ 11 ગણા વધુ પૈસા આપીને ખરીદ્યો હતો.
શ્રીલંકાના આ ખેલાડીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો તે અસરકારક રહ્યો છે. વાનિંદુ હસરંગા અત્યાર સુધીમાં 35 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 57 વિકેટ ઝડપી છે. જ્યારે 29 વનડેમાં 29 વિકેટ ઝડપી છે. તે 4 ટેસ્ટ મેચ પણ રમી ચુક્યો છે.
વાનિંદુ હસરંગા સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે તે ODI અને T20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનારા થોડા બોલરોમાંથી એક છે. હસરંગાએ જુલાઈ 2017માં પોતાની ODI ડેબ્યૂ કરી હતી અને ઝિમ્બાબ્વે સામે હેટ્રિક લઈને ઈતિહાસ રચ્યો હતો. ખાસ વાત એ છે કે તે ODIમાં હેટ્રિક લેનારો પ્રથમ લેગ સ્પિનર બન્યો છે. આ પછી, તેણે T20 વર્લ્ડ કપ 2021માં દક્ષિણ આફ્રિકા સામે હેટ્રિક લીધી.