ત્રેવડી સદી ફટકારનાર ખેલાડીની આઠ વર્ષ બાદ થઇ શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી, ઈગ્લેન્ડ સામે મળશે તક!
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પછી ભારતને ઇંગ્લેન્ડના મુશ્કેલ પ્રવાસ પર જવાનું છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 પછી ભારતને ઇંગ્લેન્ડના મુશ્કેલ પ્રવાસ પર જવાનું છે. રોહિત શર્માની ટેસ્ટમાંથી નિવૃત્તિ અને વિરાટ કોહલીના ટેસ્ટ ફોર્મેટ છોડવાના સમાચાર સાથે પસંદગીકારો સામે એક મજબૂત ટીમ પસંદ કરવાનો પડકાર ઉભો થશે. આ પ્રવાસ માટે કરુણ નાયર 8 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પાછા ફરે તેવી અપેક્ષા છે. તે 2024-25ની સ્થાનિક સીઝનમાં વિદર્ભ માટે પોતાના શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં રહ્યો છે. એક પછી એક સદી ફટકારીને આ બેટ્સમેને ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવ્યા છે.
The India A squad to tour England could be announced in two days time...
— Cricbuzz (@cricbuzz) May 11, 2025
Tap to read the news by @vijaymirror here: https://t.co/oTU9DbaZTV #indiacricket pic.twitter.com/EEEhYq6h6L
33 વર્ષીય જમણા હાથના બેટ્સમેન કરુણ નાયરે 2016-17 સીઝનમાં ટીમ ઈન્ડિયા માટે છ ટેસ્ટ અને બે વનડે રમી હતી. તેણે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. કરુણ ભારત માટે આ સિદ્ધિ મેળવનાર વીરેન્દ્ર સેહવાગ પછી બીજો બેટ્સમેન છે. તેમણે વિજય હજારે ટ્રોફીની નવ મેચમાં પાંચ સદીની મદદથી 779 રન બનાવ્યા અને નવ રણજી ટ્રોફી મેચની 16 ઇનિંગ્સમાં કુલ 863 રન બનાવ્યા હતા. પસંદગીકારો તેને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરીને આ શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપી શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, કરુણ આ મહિનાના અંતમાં ઈન્ડિયા-એ ટીમ સાથે ઇંગ્લેન્ડ જશે.
ઈન્ડિયા-એ ટીમ ઇંગ્લેન્ડમાં ત્રણ મેચ રમશે - બે ઇંગ્લેન્ડ લાયન્સ સામે (30 મે-2 જૂન અને 6-9 જૂન) અને એક સિનિયર ભારત ટીમ સામે (13-16 જૂન). રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પસંદગીકારોએ આ અઠવાડિયાની શરૂઆતમાં એક બેઠક યોજી હતી અને તેમણે A ટીમને અંતિમ સ્વરૂપ આપ્યું છે. 13 મેના રોજ તેની જાહેરાત થવાની ધારણા છે, જેમાં બંગાળના બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરનને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે અને કરુણ નાયર, તનુષ કોટિયન, ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, આકાશ દીપને સામેલ કરવામાં આવી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ઈશ્વરન ઉપરાંત, શરૂઆતની ટીમમાં પસંદગી માટે લાઇનમાં રહેલા ખેલાડીઓમાં તનુષ કોટિયન, બાબા ઇન્દ્રજીત, આકાશ દીપ અને કરુણ નાયરનો સમાવેશ થાય છે. ધ્રુવ જુરેલ અને નીતિશ રેડ્ડી ઈન્ડિયા-એ ટીમનો ભાગ હશે અને પછીથી સિનિયર ટીમમાં તેમનો સમાવેશ કરવામાં આવશે. શાર્દુલ ઠાકુર સિનિયર ટીમનો ભાગ રહેશે. ઇશાન કિશનનો વિચાર કરવામાં આવશે કે નહીં તે સ્પષ્ટ નથી. સિનિયર ટીમમાં જુરેલ અને ઋષભ પંતની હાજરીને કારણે તેમની પસંદગીની શક્યતા ઓછી છે."
શ્રેયસ ઐય્યર IPL 2025માં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે અને તેણે મોહાલી સ્થિત ફ્રેન્ચાઇઝી માટે પોતાની બેટિંગથી પ્રભાવિત કર્યા છે. આમ છતાં તેમની પસંદગી નિશ્ચિત નથી. જો વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લે છે તો તેને તક મળી શકે છે.
ક્રિકબઝે અહેવાલ આપ્યો છે કે, "શ્રેયસ ઐય્યરની પસંદગી નિશ્ચિત નથી. તે હાલમાં ઈન્ડિયા-એ કે ભારતીય ટીમના પસંદગીકારોની યોજનામાં નથી. પસંદગીની પ્રાથમિકતા બદલાઈ શકે છે તેવી શક્યતા છે. તે વિરાટ કોહલી ટીમનો ભાગ બનવા માટે સંમત થાય છે કે નહીં તેના પર નિર્ભર રહેશે. ઐય્યરે 14 ટેસ્ટ રમી છે. તેણે છેલ્લા 15 મહિનાથી કોઈ ટેસ્ટ રમી નથી."




















