IPL 2025 જલદી શરૂ કરવા તૈયાર BCCI, પરંતુ આ કારણે હજુ સુધી નથી લેવાયો આ નિર્ણય
ભારત-પાકિસ્તાન તણાવને કારણે ટુર્નામેન્ટ બંધ કરવી પડી હતી. બોર્ડે તે સમયે જાહેરાત કરી હતી કે સરકારની પરવાનગી બાદ જ ટુર્નામેન્ટ ફરી શરૂ કરવામાં આવશે

ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025 ફરી શરૂ થવા જઈ રહ્યું છે. શનિવાર, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ આ લીગ શરૂ થવાની શક્યતા ઘણી વધી ગઈ છે. બીસીસીઆઈએ પણ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. જોકે, બોર્ડ સમક્ષ સૌથી મોટો અવરોધ તારીખોનો છે. બાકીની 16 મેચો માટે બીસીસીઆઈએ ફરીથી નવી તારીખો જાહેર કરવી પડશે. આવી સ્થિતિમાં ફાઇનલ 25 મેના રોજ યોજાશે તે નિશ્ચિત નથી. આ ઉપરાંત આ લીગ ફરી શરૂ કરવા માટે સરકારની પરવાનગી લેવી પડશે.
સરકારની પરવાનગીની રાહ જોઈ રહ્યા છીએ
ભારત-પાકિસ્તાન તણાવને કારણે ટુર્નામેન્ટ બંધ કરવી પડી હતી. બોર્ડે તે સમયે જાહેરાત કરી હતી કે સરકારની પરવાનગી બાદ જ ટુર્નામેન્ટ ફરી શરૂ કરવામાં આવશે. હાલમાં BCCI ફક્ત આની રાહ જોઈ રહ્યું છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે કહ્યું, "યુદ્ધવિરામ પછી બીસીસીઆઈ હવે શિડ્યૂલ તૈયાર કરી રહ્યું છે અને ટૂર્નામેન્ટ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમને હજુ સુધી સરકાર તરફથી કોઈ પરવાનગી મળી નથી". તેમણે કહ્યું, "જો અમને સરકાર તરફથી પરવાનગી મળશે તો અમે સ્થળો અને અન્ય બાબતો પર ખૂબ જ ઝડપથી કામ શરૂ કરીશું".
બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે, "યુદ્ધવિરામ થઈ ગયો છે. હવે આપણે જોઈશું કે ટુર્નામેન્ટ પૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ તારીખો કઇ હોઈ શકે છે". રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, "ખેલાડીઓ સહિત તમામ IPL ફ્રેન્ચાઇઝીઓને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે કારણ કે BCCI શક્ય તેટલી વહેલી તકે લીગ ફરી શરૂ કરવા આતુર છે. આ ઉપરાંત, BCCI બધી ટીમોને પણ પૂછશે કે ટૂર્નામેન્ટના છેલ્લા કેટલાક અઠવાડિયા માટે વિદેશી ખેલાડીઓ કેટલા સમયમાં તૈયાર થઈ શકે છે". જોકે, મોટાભાગના ખેલાડીઓ પોતાના ઘરે પાછા ફર્યા છે.
આ સ્થળોએ મેચ યોજી શકાય છે
એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈએ સીઝનના બાકીના મેચો માટે ત્રણ સ્થળોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ છે - બેંગલુરુ, ચેન્નઈ અને હૈદરાબાદ. સરકારની મંજૂરી મળ્યા પછી આ સ્ટેડિયમોમાં મેચ યોજી શકાય છે. જો આવું થશે તો ક્વોલિફાયર-2 અને ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં યોજાશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "IPL 2025 થોડા દિવસોમાં ફરી શરૂ થઈ શકે છે. જોકે, 25 મેના રોજ યોજાનારી ફાઇનલની તારીખ મુલતવી રાખી શકાય છે". આ ઉપરાંત બીસીસીઆઈને બીજી એક ચિંતા છે કે જો સમયપત્રકમાં ફેરફારને કારણે પ્લેઓફમાં વિલંબ થાય છે તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને રમવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેમને 11 જૂનથી લોર્ડ્સ ખાતે શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે તૈયારી કરવાની છે. આવી સ્થિતિમાં બીસીસીઆઈને આ લીગ શક્ય તેટલી વહેલી તકે શરૂ કરવી પડી શકે છે.




















