(Source: ECI/ABP News/ABP Majha)
Major League Cricket 2023: અમેરિકામાં શરૂ થશે Major League Cricket, રસેલ અને રાશિદ સહિતના ખેલાડીઓ મચાવશે તરખાટ
અમેરિકામાં આ અઠવાડિયે મેજર ક્રિકેટ લીગ સાથે રમતગમતનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે
MLC 2023: અમેરિકામાં આ અઠવાડિયે મેજર ક્રિકેટ લીગ સાથે રમતગમતનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે. જેમાં ટેક્સાસ સુપર કિંગ્સનો મુકાબલો 13 જૂલાઈએ (ભારતમાં 14 જૂલાઇએ) ડલાસમાં પ્રથમ મેચમાં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ સામે થશે. તમામ છ ટીમોમાં પ્રખ્યાત ક્રિકેટરોની સાથે અમેરિકન ખેલાડીઓ પણ છે. તેમની વચ્ચે 18 મેચ રમાશે અને ફાઈનલ 30 જૂલાઈના રોજ રમાશે. બીસીસીઆઈના વર્તમાન નિયમો હેઠળ ભારતીય ખેલાડીઓ તેમાં ભાગ લઈ શકતા નથી. જોકે, નિવૃત્તિ લઈ ચૂકેલા કેટલાક ખેલાડીઓ તેમાં રમશે. ભારતમાં તેની મેચ સ્પોર્ટ્સ18 અને જિયો પર પ્રસારિત કરવામાં આવશે.
11 મેચ ડલાસમાં અને સાત મેચ નોર્થ કેરોલિનામાં રમાશે. આયોજકોએ જણાવ્યું હતું કે પ્રથમ મેચની તમામ 7200 ટિકિટો વેચાઈ ગઈ છે. ટુર્નામેન્ટની છ ટીમો લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડિયન્સ ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ, સિએટલ ઓરકાસ, ટેક્સાસ સુપર કિંગ્સ અને વોશિંગ્ટન ફ્રીડમ છે.
મોટાભાગની ટીમો ભારતીય-અમેરિકનોની છે. લીગમાં ભાગ લેનારા અગ્રણી ખેલાડીઓમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન, દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસિસ, ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલ, કિરોન પોલાર્ડ અને ડ્વેન બ્રાવો, ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઈનિસ, એરોન ફિન્ચ, ઈંગ્લેન્ડના જેસન રોય અને લિયામ પ્લંકેટ, શ્રીલંકાના દાસુન શનાકા અને ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થાય છે.
ઉન્મુક્ત ચંદ અને હરમીત સિંહ ઉપરાંત ચૈતન્ય બિશ્નોઈ, તજિન્દર સિંહ, શુભમ રંજને અને સ્મિત પટેલ ભારતીય ખેલાડીઓ છે. આ તમામ ખેલાડીઓ ભારતીય સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.
ICC તરફથી પણ મંજૂરી મળી હતી
મેજર ક્રિકેટ લીગ અમેરિકન ક્રિકેટ એન્ટરપ્રાઇઝિસ (ACE) દ્વારા સંચાલિત થાય છે અને યુએસએ ક્રિકેટ દ્વારા મંજૂર કરવામાં આવે છે. આઈસીસીએ પણ આ લીગને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. જો કે, યુએસમાં હોવાને કારણે આ મેચના રેકોર્ડ્સ ખેલાડીની પ્રોફાઇલમાં દેખાશે નહીં.
કઇ ટીમમાં કયા સ્ટાર ખેલાડીઓ?
લોસ એન્જલસમાં જેસન રોય, સુનીલ નરેન અને આન્દ્રે રસેલ છે. ન્યૂયોર્કમાં રાશિદ ખાન, ટ્રેન્ટ બોલ્ટ અને કિરોન પોલાર્ડ છે. સાન ફ્રાન્સિસ્કોમાં એરોન ફિન્ચ, માર્કસ સ્ટોઇનિસ અને કોરી એન્ડરસન છે. ટેક્સાસ પાસે ફાફ ડુ પ્લેસિસ, ડેવોન કોનવે અને ડેવિડ મિલર છે. સિએટલ પાસે ક્વિન્ટન ડી કોક, શિમરોન હેટમાયર, ઇમાદ વસીમ અને સિકંદર રઝા છે. વોશિંગ્ટન પાસે વાનિન્દુ હસરંગા, એનરિક નોર્ટજે અને માર્કો જાનસેન છે.