Fastest Fifty: ભારતીય બેટ્સમેને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, 11 બોલમાં ફટકારી અડધી સદી
તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.

મેઘાલયના બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ ઇતિહાસ રચ્યો છે. તેણે રણજી ટ્રોફીની પ્લેટ ગ્રુપ મેચમાં અરુણાચલ પ્રદેશ સામે શાનદાર પ્રદર્શન કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે સુરતમાં રમાયેલી મેચમાં માત્ર 11 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તે એક ઓવરમાં સતત છ છગ્ગા ફટકારીને આ સિદ્ધિ મેળવનાર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ત્રીજો ખેલાડી પણ બન્યો હતો. મેઘાલયની ઇનિંગ્સની 126મી ઓવરમાં આકાશ ચૌધરીએ ડાબોડી સ્પિનર લિમર ડાબીની ઓવરમાં છ બોલમાં સતત છ સિક્સ ફટકારી હતી.
આકાશે આ રેકોર્ડ તોડ્યા
8મા નંબર પર બેટિંગ કરવા આવેલા આકાશ કુમાર ચૌધરીએ શરૂઆતના કેટલાક બોલ સાવધાનીપૂર્વક રમ્યા, પરંતુ પછીના આઠ બોલમાં સતત છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે ફક્ત 11 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. લેસ્ટરશાયરના વેન વાઈટના 12 બોલના અગાઉના રેકોર્ડને તોડી નાખ્યો. આ સાથે તેણે 1965માં સિલોનના ક્લાઇવ ઇનમેનના 13 બોલમાં ફિફ્ટીને પાછળ છોડી દીધી હતી. આકાશે બોલની દ્રષ્ટિએ સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હોવા છતાં સમયની દ્રષ્ટિએ તે બીજા ક્રમે રહ્યો. તેણે માત્ર નવ મિનિટમાં ફિફ્ટી ફટકારી હતી, જ્યારે ક્લાઇવ ઇનમેન 1965માં આઠ મિનિટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
મેઘાલયની ઈનિંગ કેવી હતી ?
મેઘાલયે શાનદાર બેટિંગ કરી અને છ વિકેટે 628 રન પર પોતાની ઇનિંગ ડિક્લેર કરી હતી. વિકેટકીપર અર્પિત ભાટેવાડાએ બેવડી સદી ફટકારી, જ્યારે કેપ્ટન કિશન અને રાહુલ દલાલે પણ સદી ફટકારી હતી. અજય દુહાન અને આકાશ કુમાર ચૌધરીએ પણ મહત્વપૂર્ણ અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં ટીએનઆર મોહિતે ત્રણ વિકેટ લીધી હતી.
આકાશે કેટલી મેચ રમી છે?
આકાશ કુમાર ચૌધરીએ અત્યાર સુધીમાં 30 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં 14.37ની સરેરાશથી કુલ 503 રન બનાવ્યા છે. તેના નામે બે અડધી સદી છે. તેણે ડિસેમ્બર 2019માં નાગાલેન્ડ સામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જોકે તે બે ઇનિંગ્સમાં ફક્ત છ રન બનાવી શક્યો હતો.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી
11 બોલ - આકાશ કુમાર ચૌધરી - ભારત
12 બોલ - વેન વાઈટ - ઇંગ્લેન્ડ
13 બોલ - માઇકલ વાન વુરેન - દક્ષિણ આફ્રિકા
14 બોલ - નેડ એકરસ્લી - ઇંગ્લેન્ડ
15 બોલ - ખલિદ મહમૂદ - પાકિસ્તાન
15 બોલ - બનદીપ સિંહ - ભારત




















