ભારતે પાકિસ્તાનનો કરી નાંખ્યો મોટો દાવ! પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 700 કરોડથી વધુનો ચૂનો લાગ્યો
ભારતના પાકિસ્તાન ન આવવાના નિર્ણય અને વરસાદને કારણે પીસીબીની તિજોરી ખાલી, ખેલાડીઓની ફીમાં મોટો ઘટાડો.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) માટે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની અત્યંત ખર્ચાળ સાબિત થઈ છે. 29 વર્ષની લાંબી રાહ બાદ આઈસીસી ટૂર્નામેન્ટના હોસ્ટિંગ અધિકારો મેળવ્યા પછી પણ પાકિસ્તાનને આ ટૂર્નામેન્ટના કારણે 739 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે. આ નુકસાનમાં ભારતીય ક્રિકેટ ટીમનું પાકિસ્તાન ન આવવાનું અને વરસાદને કારણે મેચો રદ થવાનું મુખ્ય કારણ છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ માટે આશરે 869 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પીસીબીને આશા હતી કે આ ટૂર્નામેન્ટથી તેમને મોટો ફાયદો થશે, પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સુરક્ષા કારણોસર તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જેના પરિણામે, આઈસીસી દ્વારા હાઇબ્રિડ મોડેલ અપનાવવામાં આવ્યું અને ભારતની પાંચ મહત્વની મેચો પાકિસ્તાનને બદલે દુબઈમાં યોજવામાં આવી.
ટીમ ઈન્ડિયાની મેચો પાકિસ્તાનમાં રમાઈ હોત તો પીસીબીને ટિકિટ વેચાણ અને હોસ્ટિંગ ફી દ્વારા મોટી આવક થવાની સંભાવના હતી, પરંતુ ભારતના દુબઈમાં રમવાના નિર્ણયથી આ શક્યતા પૂરી થઈ ગઈ. આ ઉપરાંત, પાકિસ્તાનમાં રમાયેલી 10 મેચોમાંથી ત્રણ મેચો વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી, જેના કારણે પીસીબીએ ટિકિટના પૈસા પણ દર્શકોને પરત કરવા પડ્યા હતા.
'ધ ટેલિગ્રાફ'માં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રાવલપિંડી, કરાચી અને લાહોરના ક્રિકેટ મેદાનને આધુનિક બનાવવા માટે 560 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે તેમના મૂળ બજેટ કરતાં 50 ટકા વધારે હતો. આ સિવાય ટૂર્નામેન્ટની અન્ય તૈયારીઓ પાછળ પણ 347 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આટલો મોટો ખર્ચ કર્યા પછી પીસીબીને ટિકિટ વેચાણ અને હોસ્ટિંગ ફી દ્વારા માત્ર 52 કરોડ રૂપિયાની જ આવક થઈ શકી. આમ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કુલ 739 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું છે.
હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આંગી રહેલા આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે ખેલાડીઓના ખિસ્સામાંથી પૈસા કાઢવાની ફરજ પડી છે. બોર્ડે તાજેતરમાં જ સ્થાનિક ખેલાડીઓની મેચ ફીમાં 90 ટકાનો જંગી ઘટાડો કર્યો છે. એટલું જ નહીં, રિઝર્વ ખેલાડીઓને પણ હવે તેમની જૂની રકમના માત્ર 12.50 ટકા જ ચૂકવવામાં આવશે. પીસીબીના આ નિર્ણયથી પાકિસ્તાનના સ્થાનિક ક્રિકેટરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન માટે નાણાકીય રીતે ખૂબ જ નિરાશાજનક સાબિત થઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
