ચેતેશ્વર પૂજારાએ રચ્યો ઈતિહાસ, તેના પહેલા મોહમ્મદ અઝહરુદ્દીન જ કરી શક્યો છે આ પરાક્રમ
County Cricket:ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલા ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચી દીધો હતો. સસેક્સ માટે પોતાની ડેબ્યુ મેચમાં પુજારાએ બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે.
County Cricket: ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહેલા ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચી દીધો હતો. સસેક્સ માટે પોતાની ડેબ્યુ મેચમાં પુજારાએ બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયેલા ચેતેશ્વર પૂજારાએ 387 બોલમાં અણનમ 201 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
નોંધનીય છે કે, IPL 2022ની હરાજીમાં પણ ચેતેશ્વર પૂજારાને કોઈએ ખરીદ્યો ન હતો. અગાઉ તે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમનો ભાગ હતો. જોકે, IPL 2021માં ચેન્નાઈએ તેને એક પણ મેચ રમવાની તક આપી ન હતી. આવી સ્થિતિમાં, જ્યારે આ વખતે હરાજીમાં તેને કોઈએ ખરીદ્યો ન હતો, ત્યારે પૂજારાએ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું.
ચેતેશ્વર પૂજારાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
સસેક્સ માટે પ્રથમ ઇનિંગમાં માત્ર 6 રન બનાવનાર ચેતેશ્વર પૂજારાએ બીજી ઇનિંગમાં અણનમ 201 રનની ઇનિંગ રમીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. પુજારા કાઉન્ટીમાં બેવડી સદી ફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા મોહમ્મદ અઝહરુદ્દીન બે વખત આ પરાક્રમ કરી ચૂક્યો છે. અઝહરે 1991માં 212 અને 1994માં 205 રન બનાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ડર્બીશાયરે પ્રથમ દાવ 8 વિકેટે 505 રને ડિકલેર કર્યો હતો, જેના જવાબમાં સસેક્સની ટીમ પ્રથમ દાવમાં 174 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને તેને ફોલોઓન કરવાની ફરજ પડી હતી. આ પછી પૂજારાએ સસેક્સ માટે શાનદાર ઇનિંગ રમી અને પોતાની ટીમને હારમાંથી બચાવી હતી.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે Cancel IPL
તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમમાં કોવિડ-19નો વધુ એક કેસ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, ટીમનો એક ખેલાડી કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યો છે. આ પછી સોમવાર અને મંગળવારે RTPCR ટેસ્ટને કારણે આખી ટીમ ક્વોરેન્ટાઇનમાં રહેશે. આ સિવાય દિલ્હીની આગામી મેચ માટે તેની પુણેની ટ્રીપ પણ કોરોના સંક્રમણના કારણે રદ્દ કરવામાં આવી છે. હાલ દિલ્હીની ટીમ મુંબઈની તાજમહેલ પેલેસ હોટલમાં રોકાઈ રહી છે. કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ આવે ત્યાં સુધી ખેલાડીઓએ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ પહેલા શુક્રવારે દિલ્હી સ્થિત ફિઝિયોથેરાપિસ્ટ પેટ્રિક ફરહાર્ટ કોવિડ-19થી સંક્રમિત જોવા મળ્યા હતા. જેના કારણે સોશિયલ મીડિયા પર Cancel IPL ટ્રેન્ડ થવા લાગ્યું હતું.