Ranji Trophy: મુંબઇના બેટ્સમેન યશસ્વી જયસ્વાલે રણજી ટ્રોફીમાં મચાવી ધૂમ, સતત ત્રીજી સદી ફટકારી
યશસ્વી જયસ્વાલે વર્તમાન સિઝનમાં રણજી ટ્રોફીમાં માત્ર બે જ મેચ રમી છે. ઉત્તરાખંડ સામેની ક્વાર્ટર ફાઇનલમાં તેણે પ્રથમ ઇનિંગમાં 35 રન અને બીજી ઇનિંગમાં 103 રન બનાવ્યા હતા
નવી દિલ્હી: મુંબઈના 20 વર્ષીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે રણજી ટ્રોફીની બીજી સેમિફાઈનલમાં ઉત્તર પ્રદેશ સામે બંને ઇનિંગ્સમાં સદી ફટકારી છે. જયસ્વાલે પ્રથમ ઇનિંગમાં 100 રન બનાવ્યા હતા. ડાબોડી બેટ્સમેને રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તરાખંડ સામે પણ 103 રન બનાવ્યા હતા. છેલ્લી ચાર ઇનિંગ્સમાં જયસ્વાલની આ ત્રીજી સદી છે. બીજા છેડે વસીમ જાફરના ભત્રીજા અરમાન જાફરે પણ સદી ફટકારી હતી. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધીમાં 250થી વધુ રનની ભાગીદારી છે. મેચના ચોથા દિવસે મુંબઈની લીડ 500ને પાર કરી ગઈ છે.
યશસ્વી જયસ્વાલે વર્તમાન સિઝનમાં રણજી ટ્રોફીમાં માત્ર બે જ મેચ રમી છે. ઉત્તરાખંડ સામેની ક્વાર્ટર ફાઇનલમાં તેણે પ્રથમ ઇનિંગમાં 35 રન અને બીજી ઇનિંગમાં 103 રન બનાવ્યા હતા. તેની આઈપીએલ સિઝન પણ જબરદસ્ત રહી છે.
આ પછી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને સેમિફાઈનલ મેચમાં સતત બીજી સદી ફટકારી હતી. તેની સદીની મદદથી મુંબઈની ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. હવે મુંબઈનું ફાઈનલ રમવું લગભગ નિશ્ચિત છે. અંડર-19 વર્લ્ડ કપમાં જયવાલે સારુ પ્રદર્શન કર્યું હતું ત્યારબાદ આઇપીએલમાં પણ તેણે સારી રમત બતાવી હતી.
મુંબઈનું ફાઈનલ રમવું લગભગ નિશ્ચિત છે
બીજી સેમિફાઇનલ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન પૃથ્વી ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી જયસ્વાલે સરફરાઝ સાથે શાનદાર ભાગીદારી નોંધાવી હતી. તેણે 100 રન બનાવ્યા હતા. તેના પછી હાર્દિક તામોરની સદીના કારણે મુંબઈએ પ્રથમ ઇનિંગમાં 393 રન બનાવ્યા હતા. જવાબમાં ઉત્તર પ્રદેશની ટીમ 180 રન બનાવી શકી હતી. આ સાથે મુંબઇને પ્રથમ ઇનિંગમાં 213 રનની લીડ મળી હતી. આ પછી મુંબઈએ બીજી ઈનિંગમાં પણ 300 રન બનાવ્યા છે અને 500થી વધુ રનની લીડ મેળવી લીધી છે.