Yash Dhull Debut Match, Ranji Trophy: યશ ઢુલે રચ્યો ઇતિહાસ, રણજી ટ્રોફીની ડેબ્યૂ મેચમાં બંન્ને ઇનિંગ્સમાં ફટકારી સદી
ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનારા અંડર-19 વર્લ્ડકપની ભારતીય ટીમના કેપ્ટન યશ ઢુલે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે
Yash Dhull Debut Match: ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરનારા અંડર-19 વર્લ્ડકપની ભારતીય ટીમના કેપ્ટન યશ ઢુલે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હીના આ યુવા બેટ્સમેને તમિલનાડુ વિરુદ્દ બીજી ઇનિંગ્સમાં શાનદાર પ્રદર્શન કરતા અણનમ 113 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગની મદદથી દિલ્હીની ટીમ મેચ ડ્રો કરવામાં સફળ રહી હતી. યશ ઢુલે 17 ફેબ્રુઆરીના રોજ તમિલનાડુ વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું. યશ પ્રથમ ઇનિંગમાં પણ 113 રન ફટકાર્યા હતા.
આ સાથે યશ રણજી ટ્રોફીમાં ડેબ્યૂ મેચમાં બંન્ને ઇનિંગમાં સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. આ અગાઉ નારી કોન્ટ્રાક્ટર અને વિરાગ અવાટેએ આ સિદ્ધિ હાંસલ કરી હતી. નારી કોન્ટ્રાક્ટરે ગુજરાત તરફથી રમતા 1952-53 સીઝનમાં પોતાની ડેબ્યૂ મેચમાં 152 અને 102 રનની ઇનિંગ રમી હતી જ્યારે મહારાષ્ટ્રના બેટ્સમેન અવાટેએ 2012-13 સીઝનમાં પોતાની ડેબ્યૂ મેચમાં 126 અને 112 રનનું યોગદાન આપ્યું હતું.
ગુવાહાટીમાં આયોજીત રણજી ટ્રોફીની ગ્રુપ-એચ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ પ્રથમ ઇનિંગમાં 452 રન ફટકાર્યા હતા. લલિત યાદવે 177 અને યશ ઢુલે 113 રનની ઇનિંગ રમી હતી. તમિલનાડુ તરફથી એમ.મોહમ્મદે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
જેના જવાબમાં તમિલનાડુએ પોતાની પ્રથમ ઇનિંગમાં 494 રન બનાવ્યા હતા. તમિલનાડુ તરફથી શાહરૂખ ખાને 194 અને બાબા ઇન્દ્રજીતે 117 રનનું યોગદાન આપ્યું છે. સ્પિનર વિકાસ મિશ્રાએ દિલ્હી તરફથી સૌથી વધુ 6 વિકેટ ઝડપી હતી.
બીજી ઇનિંગમાં યશ ઢુલ અને ધ્રુવ શોરેએ પ્રથમ વિકેટ માટે 228 રનની ભાગીદારી કરી હતી. દરમિયાન યશ ઢુલે 202 બોલમાં અણનમ 113 રન ફટકાર્યા હતા. જ્યારે ધ્રુવ 107 રનનું યોગદાન આપ્યું હતું. નોંધનીય છે કે યશ ઢુલની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયાએ અંડર 19 વર્લ્ડકપની ફાઇનલમાં ઇગ્લેન્ડને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો.