Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
ચોંકાવનારા આંકડા: ગણતરી દરમિયાન 16 લાખ મૃતક અને 23 લાખ સ્થળાંતરિત મતદારો મળ્યા, 5 કરોડ નાગરિકો સુધી પહોંચ્યું તંત્ર.

Gujarat Voter List SIR 2025: ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હવે નિર્ણાયક તબક્કામાં છે. મુખ્ય નિર્વાચન અધિકારીની દેખરેખ હેઠળ ચાલી રહેલી આ કામગીરીમાં તંત્રને મોટી સફળતા મળી છે. રાજ્યની 4 વિધાનસભા બેઠકો - ધાનેરા, થરાદ, લીમખેડા અને ધોરાજીમાં ફોર્મ ડિજિટાઈઝેશનની કામગીરી 100% પૂર્ણ થઈ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં ડાંગ જિલ્લો 93.55% કામગીરી સાથે મોખરે રહ્યો છે. જોકે, આ પ્રક્રિયા દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે, જેમાં 16 લાખ જેટલા મૃતક અને 23 લાખથી વધુ સ્થળાંતરિત મતદારોના નામ હજુ પણ યાદીમાં બોલતા હોવાનું ખૂલ્યું છે.
5 કરોડ મતદારોને આવરી લેતી મેગા ડ્રાઈવ
ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લા અને CEO કચેરીના સંકલનથી રાજ્યના 33 જિલ્લાઓમાં આ ઝુંબેશ વેગવંતી બની છે. 2025 ની મતદાર યાદી મુજબ નોંધાયેલા 5 કરોડથી વધુ નાગરિકોને ગણતરી ફોર્મ પહોંચાડવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મોટાભાગના જિલ્લાઓમાં ફોર્મ વિતરણનો લક્ષ્યાંક 100% સિદ્ધ થઈ ગયો છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં તે અંતિમ તબક્કામાં છે. આ ગણતરી પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલશે.
ડિજિટાઈઝેશનમાં 4 બેઠકોએ મારી બાજી
ફોર્મ વિતરણ બાદ હવે પરત મળેલા ડેટાને ઓનલાઈન સિસ્ટમમાં અપડેટ કરવાની (ડિજિટાઈઝેશન) પ્રક્રિયા પૂરજોશમાં છે. આ બાબતમાં રાજ્યની ચાર વિધાનસભા બેઠકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.
બનાસકાંઠા: ધાનેરા અને થરાદ
દાહોદ: લીમખેડા
રાજકોટ: ધોરાજી
આ ચારેય મતવિસ્તારોમાં ડિજિટાઈઝેશન 100% પૂર્ણ થઈ ચૂક્યું છે, જે તંત્રની કાર્યક્ષમતા દર્શાવે છે.
ટોપ-10 જિલ્લાઓમાં ડાંગનો દબદબો
સમગ્ર રાજ્યની વાત કરીએ તો, આદિવાસી બહુલ ડાંગ જિલ્લો ટેકનોલોજીના ઉપયોગમાં સૌથી આગળ નીકળી ગયો છે. 93.55% કામગીરી સાથે ડાંગ પ્રથમ ક્રમે છે.
ડિજિટાઈઝેશનમાં અગ્રેસર જિલ્લાઓ (ટકાવારીમાં):
ડાંગ: 93.55%
ગીર સોમનાથ: 89.62%
મોરબી: 89.07%
સાબરકાંઠા: 89.00%
બનાસકાંઠા: 88.96%
મહીસાગર: 88.91%
છોટા ઉદેપુર: 88.81%
પંચમહાલ: 87.88%
અરવલ્લી: 87.67%
સુરેન્દ્રનગર: 87.45%
તપાસમાં ખૂલ્યા લાખો 'ભૂતિયા' નામો
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય યાદી શુદ્ધિકરણનો છે અને તેમાં તંત્રને ગંભીર ક્ષતિઓ મળી આવી છે. ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ:
મૃતક મતદારો: રાજ્યભરમાં આશરે 16 લાખ મતદારો અવસાન પામ્યા હોવા છતાં યાદીમાં સામેલ હતા.
કાયમી સ્થળાંતર: 23 લાખથી વધુ લોકો કાયમી ધોરણે અન્યત્ર વસી ગયા છે.
ગેરહાજર: 4.40 લાખ મતદારો તેમના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી.
ડુપ્લિકેટ: 2.82 લાખથી વધુ નામો યાદીમાં રિપીટ થયા હોવાનું ધ્યાને આવ્યું છે.
આ તમામ વધારાના નામો દૂર કરીને હવે એક પારદર્શક અને સાચી યાદી તૈયાર કરવામાં આવશે. CEO કચેરીએ આ ભગીરથ કાર્ય માટે રાત-દિવસ મહેનત કરતા તમામ BLO (બૂથ લેવલ ઓફિસર્સ) ની કામગીરીને બિરદાવી છે અને તેમને કોઈપણ સમસ્યા હોય તો સ્થાનિક કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.





















