ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ રોહિત શર્માની છેલ્લી વનડે મેચ હોઈ શકે છે, કેપ્ટનશીપ છોડવાનું દબાણ અને વિરાટ કોહલીનું 2027 સુધી રમવાનું નિવેદન મુખ્ય કારણો.

Rohit Sharma ODI captaincy news: ક્રિકેટ જગતમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ખેલાડીઓ અને ચાહકોને ચોંકાવી દીધા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા ટૂંક સમયમાં વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. અહેવાલો અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ રોહિત શર્માની છેલ્લી વનડે મેચ હોઈ શકે છે. આ ખુલાસો ક્રિકેટ જગતને હચમચાવી દેશે કારણ કે રોહિત શર્મા ભારતીય ટીમના સૌથી અનુભવી અને મહત્વપૂર્ણ ખેલાડીઓમાંના એક છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રોહિત શર્મા પર નિવૃત્તિ લેવાનું દબાણ છેલ્લા કેટલાક સમયથી વધી રહ્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત પહેલા, એવા અહેવાલો આવ્યા હતા કે BCCIએ રોહિત શર્માને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન નહીં કરે તો તેને કેપ્ટનશીપ ગુમાવવી પડી શકે છે.
જોકે, રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાને ઘણી સફળતા અપાવી છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 55માંથી 41 વનડે મેચ જીતી છે, જે 76.85 ટકાની જીત ટકાવારી દર્શાવે છે. વનડે ક્રિકેટમાં 10 કે તેથી વધુ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરનાર ખેલાડીઓમાં રોહિત શર્માની જીતની ટકાવારી સર્વશ્રેષ્ઠ છે.
એક તરફ રોહિત શર્માની નિવૃત્તિના સમાચાર સામે આવી રહ્યા છે, તો બીજી તરફ વિરાટ કોહલી વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. વિરાટ કોહલી ઓછામાં ઓછા 2027 વર્લ્ડ કપ સુધી રમવાનું ચાલુ રાખી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે અને તેણે 4 ઇનિંગ્સમાં 217 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.
હવે બધાની નજર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ પર રહેશે, જ્યાં રોહિત શર્મા છેલ્લી વખત વનડે ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. જો કે, રોહિત શર્મા અને BCCI તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ ખુલાસાએ ક્રિકેટ ચાહકોને વિચારતા કરી દીધા છે.
આ પણ વાંચો...
IND vs NZ ફાઇનલમાં આવું થયું તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ સુપર ઓવરથી નક્કી થશે! જાણો ICCના નિયમો



















