IND vs NZ ફાઇનલમાં આવું થયું તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ સુપર ઓવરથી નક્કી થશે! જાણો ICCના નિયમો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ ટાઈ કે ડ્રો થાય તો મેચનું પરિણામ સુપર ઓવરથી આવશે, વરસાદથી વિક્ષેપ સર્જાય તો રિઝર્વ ડે પણ છે.

India vs New Zealand final 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રવિવારે દુબઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા ફરી એકવાર ICC ટૂર્નામેન્ટના ખિતાબથી માત્ર એક ડગલું દૂર છે. પરંતુ ક્રિકેટ ચાહકોના મનમાં એક સવાલ છે – જો ફાઇનલમાં વરસાદ વિઘ્ન ઊભું કરે તો શું થશે? શું સુપર ઓવરથી વિજેતા નક્કી થશે? આવો જાણીએ ICCના નિયમો શું કહે છે.
જો ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ ટાઈ કે ડ્રો થાય છે, તો વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવશે. ICCના નિયમો સ્પષ્ટ છે કે આવી પરિસ્થિતિમાં બંને ફાઇનલિસ્ટ ટીમોને એક-એક ઓવર રમવાની તક મળશે. સુપર ઓવરમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ બીજી ટીમને જીતવા માટે લક્ષ્ય આપે છે. ત્યારબાદ પ્રથમ બોલિંગ કરનારી ટીમ લક્ષ્યનો પીછો કરે છે અને તેનાથી વધુ રન બનાવીને વિજેતા બનવાનો પ્રયાસ કરે છે.
પરંતુ શું થશે જો વરસાદ સુપર ઓવરને પણ શક્ય ન બનાવે? ICCએ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખ્યો છે. જો રવિવારે વરસાદના કારણે મેચ રદ્દ થાય છે, તો મેચ સોમવારે રિઝર્વ ડે પર રમાશે. જેથી ક્રિકેટ ચાહકોને નિરાશ થવાની જરૂર નથી અને તેઓ મેચનો પૂરો આનંદ માણી શકશે.
ભારત vs ન્યૂઝીલેન્ડ: હેડ ટુ હેડ આંકડા
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડ પર નજર કરીએ તો ભારતનું પલડું ભારે લાગે છે. બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 119 વનડે મેચમાં ટકરાઈ છે. જેમાં ભારતે 61 મેચ જીતી છે, જ્યારે ન્યુઝીલેન્ડે 50 મેચમાં વિજય મેળવ્યો છે. એક મેચ ટાઈ રહી છે અને 7 મેચ વરસાદ કે અન્ય કારણોસર રદ થઈ છે. આ આંકડા દર્શાવે છે કે ભારતનું વનડેમાં ન્યુઝીલેન્ડ સામે સારું પ્રદર્શન રહ્યું છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતનું પ્રદર્શન
ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધી અજેય રહી છે. ભારતે ગ્રુપ મેચોમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. ત્યારબાદ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપી ફાઇનલમાં જગ્યા બનાવી. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે અને ન્યુઝીલેન્ડ સામે ફાઇનલમાં પણ જીત મેળવી ટ્રોફી જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
આ પણ વાંચો....
IND vs NZ ફાઇનલમાં વરસાદ પડે તો ચેમ્પિયન્સ ટ્રોફીનો વિજેતા કોણ હશે? આ રીતે નક્કી થશે વિનર ટીમ




















