મારું કામ નથી કે હું અપડેટ આપું... મોહમ્મદ શમી કેમ થયો ચીફ સિલેક્ટર અજિત અગરકર પર ગુસ્સે?
Ajit Agarkar controversy: ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમયથી પ્રદર્શન કરતા ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ચર્ચામાં છે, પરંતુ તેનું કારણ તેનું પ્રદર્શન નહીં, પણ ટીમમાંથી સતત થઈ રહેલી બાદબાકી છે.

Mohammed Shami dropped: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઑસ્ટ્રેલિયા સામેની આગામી ODI શ્રેણી માટે ટીમમાંથી પોતાની સતત બાદબાકી અંગે આખરે મૌન તોડ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદથી તેમને ઇંગ્લેન્ડ ટેસ્ટ, એશિયા કપ અને હવે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાંથી બહાર રાખવામાં આવ્યા છે. શમીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ટીમમાં પસંદગી કરવી કે ન કરવી તે તેમના હાથમાં નથી. તેમણે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે જો તે અનફિટ હોત તો બંગાળ માટે રણજી ટ્રોફી ની ચાર-દિવસીય મેચ રમી ન શક્યા હોત. તેમના કડક નિવેદનને મુખ્ય સિલેક્ટર અજિત અગરકર પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહ્યું છે, જેમણે અગાઉ શમીની ફિટનેસ અંગે કોઈ અપડેટ ન હોવાનું જણાવ્યું હતું. શમીએ કહ્યું કે NCA જવું, તૈયારી કરવી અને રમવું એ તેમનું કામ છે, અપડેટ્સ આપવું તે તેમની જવાબદારી નથી.
સતત બાદબાકીથી નારાજ શમીનું આકરું નિવેદન
ભારતીય ક્રિકેટ ટીમ માટે લાંબા સમયથી પ્રદર્શન કરતા ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ દિવસોમાં ચર્ચામાં છે, પરંતુ તેનું કારણ તેનું પ્રદર્શન નહીં, પણ ટીમમાંથી સતત થઈ રહેલી બાદબાકી છે. ઑક્ટોબર 19 થી શરૂ થનારી ભારત-ઑસ્ટ્રેલિયા ODI શ્રેણી પહેલા, શમીએ જાહેર નિવેદન આપીને આ વિષયને વધુ ગરમાવ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 થી લઈને અત્યાર સુધી તેમને ભારતની મુખ્ય ટીમમાંથી દૂર રાખવામાં આવ્યા છે. તેમણે સમાચાર એજન્સી PTI સાથેની વાતચીતમાં જણાવ્યું કે, "મેં અગાઉ પણ કહ્યું હતું કે પસંદગી મારા હાથમાં નથી." પોતાની ફિટનેસ પર સવાલ ઉઠાવનારાઓને જડબાતોડ જવાબ આપતાં તેમણે કહ્યું, "જો મને કોઈ ફિટનેસની સમસ્યા હોત, તો હું બંગાળ માટે રણજી ટ્રોફી માં ચાર-દિવસીય મેચ રમતો ન હોત. જ્યારે હું ચાર દિવસની મેચ રમી શકું છું, તો 50 ઓવરના ફોર્મેટમાં પણ રમી શકું છું."
અજિત અગરકર પર સીધો કટાક્ષ: 'તે મારું કામ નથી...'
મોહમ્મદ શમીએ ફિટનેસ અંગે અપડેટ્સની જરૂરિયાત પર પણ કડક ટિપ્પણી કરી, જે મુખ્ય પસંદગીકાર અજિત અગરકર પરનો કટાક્ષ માનવામાં આવી રહ્યો છે. અગરકરે ઑસ્ટ્રેલિયા શ્રેણી માટે ટીમની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે તેમની પાસે શમીની ફિટનેસ અંગે કોઈ અપડેટ નથી.
શમીએ આ બાબતે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, "અપડેટ્સ આપવાનું, પૂછવાનું કે માંગવાનું મારું કામ નથી. મારી ફિટનેસ વિશે તેમને અપડેટ્સ આપવું તે મારી જવાબદારી નથી. મારું કામ તો NCA (નેશનલ ક્રિકેટ એકેડમી) જવાનું, તૈયારી કરવાનું અને મેચ રમવાનું છે. કોણ તેમને અપડેટ્સ આપે છે અને કોણ નથી આપતું, તે તેમનો વ્યવસાય છે. તે મારી જવાબદારી નથી."




















