શુભમન ગિલે ઇંગ્લેન્ડની ધરતી પર ઇતિહાસ રચ્યો: બ્રાયન લારાનો 400 રનનો મહા રેકોર્ડ તોડ્યો
બંને ઇનિંગ્સમાં કુલ 430 રન ફટકારી કુમાર સંગાકારાને પણ પાછળ છોડ્યો; ભારત એજબેસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ જીતવા સજ્જ.

Shubman Gill 400 run record: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) એ ઇંગ્લેન્ડ (England) સામેની બીજી ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો છે. ગિલ એ પહેલી ઇનિંગમાં ઐતિહાસિક બેવડી સદી ફટકાર્યા બાદ બીજી ઇનિંગમાં પણ શાનદાર સદી ફટકારી, અને આ પ્રદર્શન સાથે તેણે વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા (Brian Lara) નો એક જ ટેસ્ટ મેચમાં 400 રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ગિલનો રેકોર્ડબ્રેક પર્ફોર્મન્સ
શુભમન ગિલ એ બંને ઇનિંગ્સમાં સંયુક્ત રીતે 430 રન બનાવ્યા છે. જ્યારે બ્રાયન લારા (Brian Lara) એ એક જ ઇનિંગમાં 400 રન બનાવ્યા હતા અને તેમને બીજી ઇનિંગમાં રમવાની તક મળી ન હતી, ત્યારે ગિલ એ લારાને પાછળ છોડીને ટેસ્ટ મેચમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ઇતિહાસ રચ્યો છે. આ સાથે ગિલ એ શ્રીલંકા (Sri Lanka)ના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારા (Kumar Sangakkara) (એક ટેસ્ટમાં 424 રન) ને પણ પાછળ છોડી દીધો છે, અને હવે તે આ યાદીમાં 430 રન સાથે બીજા ક્રમે છે. ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હજુ પણ ઇંગ્લેન્ડ (England)ના ગ્રેહામ ગુચ (Graham Gooch) (ભારત સામે એક જ ટેસ્ટમાં 456 રન) ના નામે છે.
ગિલની બેટિંગનો જાદુ
ગિલ એ પ્રથમ ઇનિંગ્સમાં 269 રનની શાનદાર બેવડી સદી ફટકારી હતી, જેમાં 30 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી, તેણે બીજી ઇનિંગ્સમાં પણ વિસ્ફોટક બેટિંગ કરીને ટેસ્ટ ક્રિકેટમાં ODI ઇનિંગ્સ જેવી રમત બતાવી હતી. ભારતીય કેપ્ટને બીજી ઇનિંગ્સમાં લગભગ 100 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 162 બોલમાં 161 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન ગિલ એ 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા, જે તેની આક્રમક શૈલી દર્શાવે છે.
ભારત ઇતિહાસ રચવા માટે તૈયાર
આ રેકોર્ડબ્રેક પ્રદર્શન સાથે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 608 રનનો વિશાળ લક્ષ્યાંક મૂકીને મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ અત્યાર સુધી એજબેસ્ટન મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ જીતી શકી નથી. જોકે, આ વિશાળ લક્ષ્યાંક જોતા, ટીમ ઇન્ડિયા પાસે હવે ઇતિહાસ રચવાની અને એજબેસ્ટન ખાતે પ્રથમ ટેસ્ટ જીતવાની સુવર્ણ તક છે. ઇંગ્લેન્ડ માટે આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવો અત્યંત પડકારજનક રહેશે.




















